અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ વચ્ચે મોડાસા પંથકમાં કાર નદીમાં ફસાઈ જવાની ઘટના સામે આવી છે. મોડાસા તાલુકાના ઉમેદપુર-દધાલિયા પંથકમાં નદી બે કાંઠે વહેતા કાર ફસાઈ ગઇ હતી, જેને લઇને લોકોના જીવ તાડવે ચોંટી ગયા હતા. આગામી 24 કલાકમાં અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આ વચ્ચે નદીમાં કાર ફસાઈ જતાં આસપસાના લોકો દોડી આવ્યા હતા.
મોડાસાના ઉમેદપુર દધાલિયામાં ધોધમાર વરસાદને કારણે મોડી રાત્રે કાર ફસાઈ જવાની ઘટના સામે આવી હતી. શણગાલ ગામનો પરિવાર પસાર થઇ રહ્યો હતો, તે સમય દરમિયાન નદીમાં ફસાઈ ગઇ હતી, જેને લઇને આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોની ભારે જહેમત બાદ પરિવારને સહી સલામત પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.આ સાથે જ વહેતી નદીમાંથી કારને પણ બહાર કાઢવામાં આવી હતી. ઉમેદપુર નદી પર બ્રિજ બનાવવાની હવે લોક માંગ ઉઠવા પામી છે. ડીપ હોવાને કારણે લોકોને અવર-જવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, આ વચ્ચે કાર ફસાઈ જવાની ઘટનાથી લોકોમાં રોષ વ્યાપી ગયો છે.