અરવલ્લી જિલ્લામાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા હલ થવાને બદલે વધુ વકરતી હોય તેવું લાગે છે. મોડાસા શહેરના ડીપ વિસ્તારથી જુના બસ સ્ટેશન વિસ્તાર સુધી હજુ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી ત્યાં તો બીજી એક જગ્યાએ ટ્રાફિકની સમસ્યાએ જન્મ લીધો છે, ત્યારે હવે આ ટ્રાફિકની સમસ્યાનો ડબલ ડોઝ ટ્રાફિક પોલિસ પર આવે તો નવાઈ નહીં.
મોડાસા શહેરના મેઘરજ બાયપાસ ચોકડી પર સવારે 9.30 થી 11 વાગ્યે અને સાંજ 5 થી 6 વાગ્યા સુધી ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હોય છે પણ અહીં કોઇ જ ટ્રાફિક પોલિસનો જવાન જોવા નથી મળતો જેથી વાહન ચાલકો અટવાઈ પડે છે અને છાશવારે નાની-મોટી અકસ્માતની ઘટના પણ સર્જાતી હોય છે. ગુરૂવારના રોજ વહેલી સવારના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. શામળાજી-મોડાસા-ગોધરા સ્ટેટ હાઈવે પરથી પસાર થતાં વાહનો અને મોડાસા શહેરમાં પ્રવેશ કરતા અને બહાર જતાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. કલાકો સુધી વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા.
જુઓ મોડાસા-મેઘરજ બાયપાસ રોડ પર ગુરૂવાર સવારે ટ્રાફિક જામના દ્રશ્યો
પોલિસ પોઇંટ મુકવાની માંગ
મેઘરજ બાયપાસ રોડ પર ટ્રાફિકની સમસ્યા વધતી હોવાને લઇને હવે ટ્રાફિક પોલિસ પોઇંટ મુકવાની માંગ વધી છે. અહીં છાશવારે અકસ્માતની ઘટનાઓ પણ ઘટતી હોય છે અને અમદાવાદ જેવો ટ્રાફિક જામ સવાર-સાંજ જોવા મળે છે, જેથી પોલિસ બંદોબસ્ત અને ટ્રાફિક પોઇંટ મુકવાની પણ લોકમાંગ ઉઠવા પામી છે.
મોડાસા શહેરના મુખ્ય માર્ગો પર હજુ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવામાં તંત્ર નિષ્ફળ નિવળ્યું છે આ વચ્ચે નવી જગ્યાએ ટ્રાફિકની સમસ્યાએ જન્મ લેતા હવે પેલેટ ચોકડી પર ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કેમ કરી આવશે તે એક સવાલ છે.