દેશના કરોડો યૂઝર્સને હાઇ સ્પીડ ઇન્ટરનેટ માટે 5G સર્વિસ પ્રદાન કરવા માટે સરકાર હવે દેશમાં 5જી લોન્ચ કરવાની તૈયારી રહી છે. જેના સ્પેક્ટ્રમ માટે ટૂંક સમયમાં હરાજી થવાની છે. આ માટે અત્યારસુધી અદાણી સહિત ચાર કંપનીઓએ અરજી કરી છે. આજે અરજદારની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી હતી. જે અનુસાર અદાણી એન્ટરપ્રાઇઝનું એકમ અદાણી ડેટા નેટવર્ક્સ લિમિટેડે સ્પેક્ટ્રમ હરાજીમાં ભાગ લેવા માટે અરજી કરી છે. વિભાગ અનુસાર, અદાણી ડેટા નેટવર્ક્સની કુલ સંપત્તિ રૂ.248.35 કરોડ જ્યારે પેરેન્ટ કંપની અદાણી એન્ટરપ્રાઇઝની કુલ સંપત્તિ રૂ.4730.66 કરોડ છે.
ટેલિકોમ ડિપાર્ટમેન્ટે શું કહ્યું?
ટેલિકોમ વિભાગે કહ્યું કે, 600 મેગાહર્ટઝ, 700 મેગાહર્ટઝ, 900 મેગાહર્ટઝ, 1800 મેગાહર્ટઝ, 2100 મેગાહર્ટઝ, 2500 મેગાહર્ટઝ, 3300 મેગાહર્ટઝ અને 26 ગીગાહર્ટઝ બેંડમાં સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવાના અધિકારો માટે આગામી 5જી હરાજીમાં ભાગ લેવા માટે અદાણી ડેટા નેટવર્ક્સ લિમિટેડ, રિલાયન્સ જીયો ઇન્ફોકોમ, વોડાફોન આઇડિયા લિમિટેડ અને ભારતી એરટેલ લિમિટેડ તરફથી અરજી મળી છે. આ યાદી માત્ર જાણકારી માટે છે. આ અરજીને હજુ આગળ પ્રોસેસ કરવામાં આવી છે. ટેલિકોમ વિભાગ અનુસાર, અદાણી ડેટા નેટવર્ક્સ લિમિટેડને સમગ્ર દેશમાં સેવા માટે નેશનલ લોન્ગ ડિસટન્સ અને આંતરરાષ્ટ્રીય લોન્ગ ડિસટન્સનું ઓથોરિટીનું લાઇસન્સ આપવા અને ગુજરાત સર્કલ માટે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર માટે 28 જૂન, 2022ના રોજ લેટર જારી કરાયો હતો.
કંપનીઓએ ઓનરશિપ વિગતો આપી
હરાજીમાં ભાગ લેનારા અન્ય અરજદારો એરટેલ, જીયો અને વોડાઆઇડિયાએ વિભાગને ઓનરશિપ વિગતો અંગે જાણકારી આપી છે. તે અનુસાર ભારતી એરટેલની કુલ સંપત્તિ રૂ.₹75,886.8 કરોડ હતી, જ્યારે પેડઅપ કેપિટલ 31 માર્ચ, 2022 સુધી ₹2,795 કરોડ હતી. જ્યારે, રિલાયન્સ, જીયો ઇન્ફોકોમની 31 માર્ચ સુધીની કુલ સંપત્તિ રૂ.1.97 ટ્રિલિયન અને ટોટલ પેડ અપ કેપિટલ રૂ.1.54 ટ્રિલિયન હોવાની જાણકારી છે.