મીડિયા પહોંચી શકતું હોય તો પોલિસ કેમ લેટ પહોંચી…!!!
100 નંબર પર સ્થાનિક લોકોએ કોલ કર્યો ત્યારે માત્ર 1 કોન્સ્ટેબલ પહોંચ્યો
થોડીવાર પછી LCB અને SOG ની ટીમ પહોંચી
પોલિસે લૂંટની ઘટના અંગે ન લીધી ગંભીરતા
જો પોલિસ તાત્કાલિક પહોંચી હોત તો લૂંટારૂ ઝડપાઈ શક્યા હોત
પોલિસની ઢીલી નીતિથી લોકોમાં રોષ વ્યાપી ગયો
ઘટનાની ગંભીરતા જોઇ SP સંજય ખરાત, Dy.SP ભરત બસીયા અને ટાઉન PI પહોંચ્યાAdvertisement
અરવલ્લી જિલ્લામાં ખરેખર કાયદો વ્યવસ્થા કથળી છે તે આજની ઘટના પરથી સાબિત છે. જિલ્લામાં હત્યાની ઘટનાઓ, લાશ મળી આવવી, જીવલેણ હુમલાઓ અને હવે બિહારવાળી થવા લાગી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. મોડાસા શહેરમાં ધોળા દહાડે બંદૂકની અણીએ લૂંટનો પ્રયાસ કરવાની ઘટના સામે આવતા પોલિસ દોડતી થઇ હતી. દુકાનમાં પહોંચી એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમએ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા.
મોડાસાના માલપુર રોડ પર આવેલી ક્રિષ્ના કોર્નરમાં સીસીટીવી ફૂટેજના સમય મુજબ બપોરના 12.02 કલાકે બાઈક પર ત્રણ શખ્સો આવે છે. જેઓ ક્રિષ્ના કોર્નર નીચે ઉભા રહે છે અને ત્યારબાદ દુકાનમાં પહોંચે છે. દુકાનદારે જણાવ્યું હતું કે, તેમની પાસે 4 લાખ રૂપિયાની માંગ કરી હતી, અને તેમને ના પાડી એટલે તેમની સાથે મારા-મારી કરી હતી. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ હતી. બુકાનીધારી બંદૂક લઇને આવ્યા હતા અને બંદૂકની અણીએ પૈસાની માંગ કરી હતી, નાછૂટકે દુકાનદાર સાથે ઝપાઝપી થતાં બુકાનીધારીઓએ દુકાનદારના માથાના ભાગે હથોડી મારી હતી. હથોળી મારવા છતાં દુકાનદારે હિંમત ન હારી અને બુકાનીધારીઓ સાથે બાથ ભીડતા રહ્યા. ત્યારબાદ ત્રણેય શખ્સો દુકાનમાંથી નાસી છૂટ્યા હતા.
100 નંબર પર કોલ કર્યો અને મોડે મોડે 1 કોન્સ્ટેબલ સાથે ગાડી પહોંચી
બુમાબુમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલિસને 100 નંબર પર કોલ કર્યો હતો. કંટ્રોલ નંબર પર કોલ કરવા છતાં પોલિસ મોડે મોડે પહોંચતી હોવાને લઇને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. એટલું જ નહીં આવડી મોટી ઘટના અંગે 100 નંબર પર કોલ કર્યો તો મોડે મોડે પહોંચેલી પોલિસ વાનમાં માત્ર માત્ર એક જ કોન્સ્ટેબલ હતો. ત્યારબાદ જેમ જેમ મામલો તૂલ પકડવા લાગ્યો પછી જિલ્લા એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમ પહોંચી હતી.
બુકાનીધારી બાઈક પર આવ્યા.. ને… મોપેડ લઇને ભાગ્યા
બુકાનીધારીઓ બંદૂક લઇને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો, બાઈક પર આવેલા ત્રણેય શખ્સો ઘટનાને અંજામ આપવામાં નિષ્ફળ નિવળ્યા અને ઊભી પૂંછળીએ ભાગવું પડ્યું ત્યારે એક શખ્સ પાછળના રસ્તે નાસી છૂટ્યો હતો તો બીજ અન્ય કોઇ વ્યક્તિનું મોપેડ લઇને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. એક વ્યક્તિ કોઇ કારણોસર કામકાજ માટે આસપાના વિસ્તારમાં આવ્યો હતો, જ્યાં પાર્કિંગ કરેલ મોપેડ લઇને બુકાનીધારીઓ નાસી છૂટ્યા હોવાનું પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું.
પોલિસ પાસે ઘટનાની મોટી લીડ, ટૂંક સમયમાં ઉકેલાશે ભેદ : SP
ઘટનાની ગંભીરતા જોઇએ જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે પણ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે ઘટનાની ગંભીરતા જોઇ અલગ અલગ ટીમ બનાવીને આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત તેજ કરી છે. જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પોલિસ પાસે આરોપીઓ સુધી પહોંચવાની મોટી લીડ છે અને ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવશે.
લૂંટારૂઓએ રેકી કરી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો ?
લૂંટારૂઓએ લૂંટની ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં દુકાનદારે જણાવ્યું કે, તેમની પાસે 4 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. ત્યારે સવાલ એ થાય છે કે, લૂંટારૂઓને કેવી રીતે ખ્યાલ આવ્યો કે, આમની પાસે 4 લાખ રૂપિયા હશે. દુકાનદારના નિવેદનથી પ્રાથમિક દ્રષ્ટિએ એવું પણ લાગી રહ્યું છે કે, લૂંટારૂઓએ પહેલા કદાચ રેકી કરી હોય અથવા તો દુકાનની પહેલા મુલાકાત પણ કરી હોઇ શકે. આ સાથે જ દુકાનદારને જાણતા પણ હોઇ શકે છે. પોલિસે આ દિશામાં પણ તપાસ કરી તો લીડ ચોક્કસ મળી શકે છે.
પોલિસે બુકાનીધારીઓને ઝડપવા આ દિશામાં તપાસ કરવી જોઇએ
પોલિસ પાસે લૂંટારૂઓના સીસીટીવી ફૂટેજ છે, આ બાઈક માલપુર રોડ વિસ્તારમાંથી આવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે, ત્યારે આ શખ્શો ક્યાંથી આવ્યા હતા, તે અંગે નેત્રમના સીસીટીવી ફૂટેજ તપાસમાં આવે તો ખ્યાલ આવી શકે.
અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી ચોરી, લૂંટ, હત્યા અને મારામારીની ઘટનાઓ ઘટી રહી છે, તેમાં ખાસ કરીને મોડાસા શહેરમાં માલપુર રોડ પર પોશ વિસ્તારની આ ઘટનાને લોકોમાં એક ખૌફ લાવી દીધો છે. ધોળે દહાડે ચોરીની ઘટનાએ આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ વ્યાપી ગયો છે. મોડાસામાં બંદૂકધારી લૂંટારીઓની એન્ટ્રીથી અનેક સવાલો ઉઠી રહ્યા છે.
મોડાસાના માલપુર રોડ પર બનેલી લૂંટની ઘટના સાંભળો પ્રત્યક્ષદર્શીઓ પાસેથી, સાંભળો શું કહ્યું…