લમ્પી વાયરસ રોકવા રસીકરણ અભિયાન પુરજોશમાં રાજ્યભરમાં ચાલી રહ્યું છે. જામનગર જિલ્લામાં કુલ 24 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
જામનગર જિલ્લામાં લમ્પી વાયરસની નાબૂદી માટે પશુપાલન વિભાગ દ્વારા રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોવીસ હજારથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. પશુપાલન વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી લમ્પી વાયરસ નાબૂદી માટે રસીકરણ અને જાગૃતિ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા તમામ પશુપાલકોને અપીલ કરવામાં આવી છે કે, આ રોગના લક્ષણો તમારા પશુમાં જણાય તો પશુને અલાયદી જગ્યામાં રાખવા સૂચન કરાયું છે. આ સાથે જ તત્કાલિક સારવાર માટે 1962 હેલ્પલાઈન નંબર પર કે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા સૂચન કરાયું છે.
જામનગર શહેરમાં 7 હજારથી વધુ, ગ્રામ્ય વિસ્તારમાં 16 હજારથી વધુ પશુઓનું રસીકરણ
જામનગર તાલુકામાં 500 થીવધુ પશુની સારવાર અને 6 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરાયું છે. જોડિયા તાલુકામાં 100થી વધુ પશુઓની સારવાર અને 2 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરાયું છે. આ ઉપરાંત ધ્રોલ તાલુકામાં 300થી વધુ પશુઓની સારવાર અને 2 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરાયું છે. જામજોધપુર તાલુકામાં 40થી વધુ પશુઓની સારવાર અને 1 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરાયું છે. આ ઉપરાંત અન્ય તાલુકાની વાત કરીએ તો લાલપુર તાલુકામાં 30 પશુઓની સારવાર, 1 હજારથી વધુ પશુઓનું રસીકર તેમજ કાલાવડ તાલુકામાં 10 પશુઓની સારવાર અને 3 હજારથી વધુ પશુઓનું રસીકરણ થયું છે.