ડૉ. સંતોષ દેવકર
‘આ તે કેવી રમત? શું શોધવાનુ?’
‘ફુગ્ગા’
‘અહી એ માટે આવ્યા છીએ?’
‘ફુગ્ગા શોધી લાવો’આદેશ થયો.તેથી ગણગણાટ શરુ થયો હતો.
ખીચોખીચ ભરેલા સેમિનાર હોલમાંથી માત્ર ત્રીસ જણાને આ કામ સોંપાયુ. ફુગ્ગા ઉપર દરેકે પોતાનુ નામ લખી દીધા બાદ ફુગ્ગા બાજુના એક રૂમમા રાખવામા આવ્યા હતા. થોડા સમય પછી તેમને પોતાના નામનો ફુગ્ગો લઇ આવવા માટે કહેવામા આવ્યુ. પરંતુ સમય માત્ર પાચ મિનિટ. દરેક વ્યક્તિ ઘાંઘી થઇને પોતાનુ નામ લખ્યુ હોય એ ફુગ્ગો શોધવા લાગી. પણ બીજાના નામનો ફુગ્ગો હાથમા આવતા જ તેને ફેંકી દેવા લાગી. સમય તો વીતવા લાગ્યો એટલે ઉતાવળ કરવાને લીધે ધક્કા મુક્કી થવા લાગી. એમા કેટલાક ફુગ્ગા ફુટી ગયા. રૂમમા અફ્ડતફડી મચી ગઇ. પાંચ મિનિટને અંતે ભાગ્યેજ બે ત્રણ જણાના હાથમા પોતાનુ નામ લખેલા ફુગ્ગા હતા. બાકી બધા વીલે મોઢે પોતાની ચેર પર આવીને બેસી ગયા.
ડૉ સંતોષ દેવકર સરે ફરીથી બધાને પેલા રૂમમા મોક્લ્યા પણ આ વખતે સૂચના એવી હતી કે જેના હાથમા જે પણ ફુગ્ગો આવે એ લઇલે પછી એના પર જે વ્યક્તિનુ નામ લખેલુ હોય એને એ આપી દે. હજી તો પાંચ મિનિટ પુરી પણ નહોતી થઇ ત્યા દરેક પાસે પોતાના નામ વાળો ફુગ્ગો હતો. પોઝિટિવ રિસ્પોન્સ.
આપણુ સુખ શોધવા માટે બીજાને દુ:ખનો ધક્કો મારવાની જરુર જ ક્યા છે? અન્યને ધક્કો મારી તેનુ સુખ આંચકી લેવુ દાનવ ઉધમ છે. આખી જિંદગી આમ જ ઘાઘા થઇને ચારે બાજુ સુખની શોધમા નિકળી પડીએ છીએ.આપણે સાવ ખોટી દિશામા સુખની શોધ આદરીને બેઠા છીએ. કોઇનુ સુખ છીનવીને સુખી થવાતુ હશે ભલા!
થોડામાંથી થોડું આપવાનો તમારો સ્વભાવ હોય તો તમે નસીબદાર છો. દાન કરતા જો તમારા હાથ ધ્રુજતા ના હોય તો તમે નસીબદાર છો. કરોડપતિ હોવા છતા હ્ર્દય રોડપતિનુ હોય તેવા કમનસીબોનો આપણે ત્યાં તોટો નથી. સુખની શોધ એ ‘અંદરકી બાત હે’ એવી સમજ બધાને નથી હોતી.
આપણુ સુખ બીજાના સુખમા સમાયેલુ છે. આનંદને વહેંચવાનો આનંદ જો માણી શકો તો બાત બને. કારણ વગર આનંદનો અનુભવ થાય ત્યારે ક્યાક, કોઇક આપણા માટે પ્રાર્થના કરતુ હોય છે. અન્યોને પ્રસન્ન રાખવા, ખુશ રાખવા એને મદદ કરવી કે એના માટે પ્રાર્થના કરવી એ જ આપણા સુખની ગુરુચાવી છે.
મિસરી
દેવું જ હો તો એટલું પરવર દિગાર દે
ગજવું ભલે ને તંગ દે હૈયું ઉદાર દે!
સ્વ.ડો.અસદ સૈયદ (વડોદરા)