34 C
Ahmedabad
Tuesday, March 28, 2023

અગલે જનમ મોહે મોદી હી કીજો, કોઈ ભી હો( ફર્સ્ટ પ્રેફરન્સ લલિતકુમાર મોદી!)


લેખક-મહેન્દ્ર બગડા

Advertisement

સોશિયલ મીડિયા હવે દરેક ભારતીયના જીવન સાથે પ્રાણવાયુની જેમ જ જોડાઈ ગયું છે. દેશમાં કુલ અઢીસો કરોડથી વધારે ફોન હોવાની સંભાવના છે. ઓછામાં ઓછા અઢીસો કરોડો એન્ડ્રોઇડ ફોન તો હશે જ.

Advertisement

એક સમય હતો કે માહિતીનું આદાનપ્રદાન થવામાં લાંબો સમય જતો હતો. દાખલા તરીકે, હું જે ગામમાં રહું છું સાવરકુંડલા ત્યાં પહેલાં હિન્દી ફિલ્મ મુંબઈમાં રિલીઝ થયાનાં બે-ચાર વર્ષે અમારા ગામમાં પહોંચતી હતી. ‘શોલે’ રિલીઝ થયાના ચાર વર્ષે સાવરકુંડલાની ટૉકીઝમાં લાગી હતી.
પરંતુ હવે એવું નથી. હોલિવુડ, બોલિવુડ, ચેન્નઈ, મુંબઈ અને કૅલિફોર્નિયાની સાથે જ દાહોદના લીમડીથી લઈ કચ્છના મુંદ્રા અને અરુણાચલ પ્રદેશના નાના સિમાંત ગામ સુધી બધી જ ફિલ્મો એકસાથે રિલીઝ થઈ જાય છે.

Advertisement

સોશિયલ મીડિયામાં પણ એવું જ છે. કોઈ એક ઘટના બની, જે સહેજ પણ અસાધારણ અથવા તો લોકોને જે વસ્તુ પ્રાપ્ત ન હોય તેવી કોઈ ઘટના સામે આવે એટલે તુરંત તેના પર પ્રતિક્રિયા શરૂ થઈ જાય. મીમ્સ, ટ્રૉલ, ટ્રેન્ડિંગ વગેરે શબ્દો આના માટે વાપરવામાં આવે છે.

Advertisement

ગત અઠવાડિયે રાજકીય રીતે કોઈ મહત્ત્વની ઘટના ના હતી. રાષ્ટ્રપતિની ચૂંટણી હતી, પરંતુ તેમાં સામાન્ય માણસને કોઈ રોમાંચ હોતો નથી. સાંપ્રદાયિક
ઘટનાઓ પણ પ્રમાણમાં ઓછી હતી. ચૅનલો અને સોશિયલ મીડિયામાં સક્રિય લોકો થોડા મૂંઝવણમાં હતા કે હવે શું થશે, ત્યાં જ ટપકી પડ્યા આપણા સૌના પ્યારા મિસ્ટર નટવરલાલ ઉર્ફે લલિતકુમાર મોદી.

Advertisement

ક્રિકેટ આપણા દેશમાં ધર્મથી વધુ છે અને દરેક ભારતીય ક્રિકેટ માટે મરી ફીટવા તૈયાર છે તેવું તો ગાવસ્કરથી લઈ અયાઝ મેમણ (ક્રિકેટ વિશેના જાણીતા લેખક) અને કપિલ દેવથી લઈ મોટા-મોટા રાજકીય નેતાઓ કહેતા હોય છે. પરંતુ રિયલમાં ક્રિકેટને એક જુદી ઊંચાઈએ લઈ જવાનો ભવ્ય વિચાર કરી તેને મુર્તિમંત કરનાર વ્યક્તિ એટલે લલિત મોદી.

Advertisement

આઇપીએલ જેવા અદ્ભુત ફોર્મેટની રચના કરી, તેને આકાશની ઊંચાઈએ પહોંચાડનાર લલિત મોદી સચિન અને કપિલ જેટલો જ દેશમાં લોકપ્રિય બન્યો હતો. ગ્રાઉન્ડ પર ઓવરકોટ પહેરી હેલિકૉપ્ટરમાંથી ઊતરતો ત્યારે સચિનથી લઈ એડ્રફિલ્નટોપ અને પીટરસનથી લઈ ધોની પણ તેનાં ઓવારણાં લેતા હતા.

Advertisement

અચાનક કોઈ આર્થિક ગડબડના આરોપસર તેની સામે કેસ થયા (તેની ચાર્જશીટ મારી પાસે નથી એટલે તેની વિગત લખી નથી). મિ. લલિતકુમાર મોદી દેશ છોડી ભાગી ગયો. દેશની પોલીસ કે ઇન્ટેલિજન્સ કે પછી બીજી કોઈ એજન્સી હજુ સુધી તેને શોધી શકી નથી, પરંતુ અત્યંત ખૂબસૂરત ફિલ્મ અભિનેત્રી સુસ્મિતા સેને તેને શોધી લીધો, તુંરત તેને દિલ દઈ દીધું અને લગ્ન પહેલાંનું હનિમૂન પણ મનાવી લીધાના ફોટો શૅર કરી દીધા.

Advertisement

જે કામ દેશની મહાન એજન્સીઓ ન કરી શકી તે આપણી એક લોકમનોરંજન કરાવતી અભિનેત્રીએ કરી બતાવ્યું. લલિત મોદી સાથેનાં તેનાં લગ્નની અફવાઓએ દેશના અનેક પ્રૌઢો, યુવાનો અને મધ્ય વયસ્ક લોકોમાં એક જાતની આંતરિક ગુપ્ત ચેતના જગાવી દીધી.

Advertisement

પ્રૌઢો, મધ્ય વયસ્ક લોકોમાં કોઈ મોટિવેશનલ સ્પીકર ન કરી શકે તેવું કામ આ ઘટનાએ કરી બતાવ્યું. દરેક વૃદ્ધ, પ્રૌઢ અને મધ્ય વયસ્કને લાગ્યું કે ઇફ લલિત મોદી કૅન, ધેન વી કૅન ઑલ્સો… કંઈક એ ટાઇપનુ. પરંતુ લલિત મોદી અને સુસ્મિતા સેનના અઢળક મીમ્સ, જોક વગેરે સોશિયલ મીડિયા પર ધોધની જેમ વહેવા લાગ્યા.

Advertisement

કેટલાકે કહ્યું કે જે ઉંમરે લલિત મોદીએ કાખઘોડી પર ચડવું જોઈએ તે સમયે તે લગ્ન કરવા માટે ઘોડી પર ચડી રહ્યો છે. કેટલાકે કહ્યું કે વડીલો કહેતા હતા કે બેટા, પૈસા બચાવવા ઘરડે ઘડપણે કામ આવે તે આનું નામ. અનેક જોક, મીમ્સ વગેરે આવ્યા.

Advertisement

મૂળ વાતે એ છે કે લોકોને લલિત મોદી-સુસ્મિતા સેનનાં લગ્ન અથવા તો લિવઇન રિલેશન પર આટલી મજા કેમ આવી અથવા તો આટલી પીડા કેમ થઈ? કારણ કે કોઈ ઘટના પર પ્રતિક્રિયા ત્યારે જ આવે જ્યારે તેમાં લોકોને કાં તો આનંદ થાય અથવા તો લાગણી ઘવાય.

Advertisement

મોટા ભાગના વયસ્કોને આ ઉંમરે સુસ્મિતા સેન અથવા તો ઐશ્વર્યા રાયનાં સ્વપ્ન તો આવતાં જ રહેતાં હોય છે. અંત તરફ જેમ દીપ વધુ પ્રજ્વલિત બને
તેમ! પરંતુ દરેકના નસીબ કંઈ લલિતકુમાર મોદી જેવા તો હોવાના નથી. એટલે સ્વાભાવિક રીતે જ જે મને ન મળે તે તમને મળે એટલે ઈર્ષા તો થવાની જ. આ જ ઘટના અનુપ જલોટાના કિસ્સામાં પણ જોવા મળે છે. આપણને થાય કે સાલો આટલી મોટી ઉંમરનો બુઢ્ઢો અદ્ભુત સ્ત્રીઓને કેવી રીતે પટાવી લગ્ન કરી લે છે. પરંતુ કેટલાક લોકોનાં નસીબ જ એટલાં સરસ હોય છે કે કોઈ પણ ઉંમરે તેમને આકર્ષક અને સુંદર સ્ત્રીઓનો સહવાસ મળતો રહે છે.

Advertisement

લલિત મોદી પણ અંતે અકળાઈ ગયો અને ટ્વીટ કરીને કહેવું પડ્યું કે આ મારી અંગત બાબત છે. સુસ્મિતા સેન સાથેના પ્રણયમાં કોઈ નિયમ કે ફેરા કે ઈડીના કોઈ નિયમોનો ભંગ નથી કર્યો કે નથી કોઈ કૌભાંડ કર્યું. આ બે વ્યક્તિઓનાં કોઈ અગમ્ય (અઢળક નાણાં એમ સમજવું) આકર્ષણથી એકબીજા પ્રત્યે ખેંચાઈને થયેલું જોડાણ છે. હકીકત એ છે કે મોટી ઉંમરે સુંદર સ્ત્રી સાથે પ્રણય કરવા માટે નસીબ અથવા તો ભાગ્ય હોવાં જોઈએ.
લલિત મોદી જેવા ભાગ્ય માટે આગલા જન્મના પુણ્ય હોવા જરૂરી છે. આ મારું પોતાનું સંશોધન છે એટલે આ કોણે કહ્યું તે લખ્યું નથી. એટલે જો આવતા ભવે નાની-મોટી ઉંમરે આકર્ષક, રમણીય, સુંદર સ્ત્રી અથવા તો રિટાયર્ડ હીરોઇન સાથે ચક્કર ચલાવવું હોય તો આ જન્મમાં પુણ્ય કરવાનું ચાલુ કરી દો. આ વિધાન પણ બાબા મહેન્દ્રાનંદનું જ સમજવું.
અસ્તુ.

Advertisement

જય હો લલિતકુમાર મોદીનો, નીરવ મોદીનો અને સુસ્મિતા સેન મોદીનો… આ ઉપરાંત એક નખશિખ સજ્જન અને ફેસબુક પર અદ્ભુત વનલાઇનર લખનાર શ્રી બિનીત મોદીનો પણ જય હો…

Advertisement

નોંધ : લેખક પ્રસિદ્ધ ટીવી જર્નાલિસ્ટ અને TV-9 પર આવતા સૌથી લોકપ્રિય કાર્યક્રમ ‘ભાઈ ભાઈ’ના ઍન્કર છે. વાચક પ્રતિભાવ માટે આ વ્હૉટ્સઍપ નંબર પર મૅસેજ કરી શકે છે. 9909941536

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!