39 C
Ahmedabad
Wednesday, April 24, 2024

સરકારી કર્મચારીઓની માંગ સંતોષાઈ પણ શિક્ષકોમાં બે ફાંટા, જૂની પેન્શન યોજનાને લઇને નારાજગી


છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી જૂની પેન્શન યોજનાની માંગ કરતા સરકારી કર્મચારીઓની માંગ મહદઅંશે સ્વીકારવામાં આવી છે જોકે પેન્શન યોજનાને લઇને નારાજગી સામે આવી છે, જેને લઇને હજુ પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે સરકારે શુક્રવારે મોટાભાગની માંગણીઓ સંતોષી છે જોકે પેન્શન યોજનાને લઇને શિક્ષકો તેમજ અન્ય સરકારી કર્મચારીઓએ નારાજીગી વ્યક્ત કરી હતી અને દેખાવો કર્યા હતા, એટલું જ નહીં શિક્ષકોમાં બે ફાંટા પડવાની પણ શક્યતાઓ છે.

Advertisement

સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકારે કમિટી બનાવી છે, જેમણે મીડિયા સાથેની વાતચીતમાં મોટાભાગની માંગણીઓ સંતોષી છે, જેમાં 7મા પગાર પંચનો લાભ, પેન્શન યોજના સહિતના અલગ અલગ મુદ્દાઓને આવરી લેવાયા છે. પ્રવકતા મંત્રીએ આ અંગે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, 7માં પગાર પંચના બાકી ભથ્થા તાત્કાલિક અસરથી લાગુ કરવા આવશે આ તમામ લાભો કેન્દ્રના ધોરણે આપવામાં આવશે.

Advertisement

Advertisement

કેન્દ્રના ધોરણે તા.1/4/2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે. ઉપરાંત સી.પી.એફમાં 10 ટકાને બદલે 14 ટકા સરકાર દ્વારા ઉમેરવામાં અંગે પણ અતિ મહત્વપૂર્ણ કર્મચારીહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, વર્ષ 2009ના કેન્દ્ર સરકારના ઠરાવ મુજબ કર્મચારીના મૃત્યુના કિસ્સામાં કેન્દ્રના ધોરણે કુટુંબ પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે. રહેમરાહે નિમણૂક પામેલા તમામ કર્મચારીની નોકરી મૂળ નિમણૂક તારીખથી તમામ લાભો માટે સળંગ ગણવામાં આવશે. શૈક્ષણિક કેડર સિવાયના તમામ કર્મચારીઓને કેન્દ્રના કર્મચારીની જેમ 10, 20, 30નું ઉચ્ચતર પગાર ધોરણ આપવા ઠરાવ કરવામાં આવશે.

Advertisement

કર્મચારીઓને રૂ.300 ને બદલે રૂ.1000 મેડિકલ ભથ્થુ આપવામાં આવશે. જે સરકારી કર્મચારીઓનું ચાલુ ફરજે અવસાન થાય તેવા કિસ્સામાં અપાતી ઉચ્ચક નાણાકીય સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. ઉચ્ચક નાણાકીય સહાય રૂ.8 લાખ અપાતી હતી તે વધારીને રૂ.14 લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ સરકારી કર્મચારીઓને બઢતી માટે આવશ્યક એવી પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં પણ વિશેષ રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં મુક્તિ માટે 50 ટકા પરિણામે કર્મચારીને પાસ ગણવામાં આવશે તેમજ આ પરીક્ષામાં અંગ્રેજીનું પ્રશ્નપત્ર પણ રદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

મંત્રીએ ઉમેર્યું કે,કર્મચારીઓને નિવૃત્તિ સમયે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દર અને મુદતમાં ઘટાડા સાથે 15 વર્ષના 180 હપ્તાને બદલે 13 વર્ષના 156 હપ્તામાં ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પરિણામે પ્રત્યેક કર્મચારીઓને નિવૃત્તિ સમયે અંદાજિત રૂ.6 લાખ જેટલો સંભવતઃ ફાયદો થશે. સીસીસી પરીક્ષાની મુદ્દત ડિસેમ્બર-2024 સુધી લંબાવવામાં આવશે. આ ઉપરાંત જૂથ વીમા કપાતની રકમના સ્લેબમાં વધારો કરવા ઉપરાંત તે પ્રમાણે વીમા કવચ પણ વધારવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.

Advertisement

મહિલા કર્મચારીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે લીધો છે જે અંતર્ગત મહિલા કર્મચારીઓની નોકરીનો સમયગાળો ધ્યાને લીધા સિવાય મૂળ નિમણૂક તારીખથી જ 180 દિવસ એટલે કે છ મહિનાની પ્રસૂતિ રજા આપવામાં આવશે.

Advertisement

તેમણે કહ્યું કે,વર્ષ 2006 પછીની ફિક્સ પગારની નીતિથી ભરતી થયેલા તમામ કર્મચારીને પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી તા.18 જાન્યુઆરી 2017ના ઠરાવ મુજબ સળંગ ગણવા અંગેનો લાભ આપવામાં આવે છે. પરંતુ વર્ષ 2006 પહેલાના ફિક્સ પગારની નિતીમાં જેટલી કેડરનો સમાવેશ કરવામાં આવેલ છે તે તમામ કેડરને પ્રાથમિક શિક્ષકોની જેમ બાકી રહેલા તમામ સરકારી કર્મચારીઓ તેમજ ગ્રાન્ટ ઇન એડ શિક્ષકોને તા.1લી એપ્રિલ 2019ની અસરથી સેવાઓ સળંગ ગણવામાં આવશે.

Advertisement

આ ઉપરાંત રાજ્યની નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવામાં આવશે. તા.27 એપ્રિલ 2011 પહેલા ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકોને નિવૃત્તિ સાથે પુરા પગારમાં સમાવવામાં આવશે.

Advertisement

સરકારના આ નિર્ણયને લઇને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં મોડી રાત્રે વિરોધ પ્રદર્શન પણ જોવા મળ્યા હતા, જોકે હજુ સરકારી કર્મચારીઓનો વિરોધ યથાવત રહેશે કે સમેટાશે તે જોવું રહ્યું, અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે મોડાસા તાલુકા પંચાયત બહાર શિક્ષકો એકત્રિત થયા હતા અને આ પેન્શન યોજનાને લઇને નારાજગી વ્યક્ત કરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!