હાલ રાજ્ય સહિત સમગ્ર દેશમાં મોંઘવારીનો મુદ્દો ચર્ચામાં છે, તો બીજી બાજુ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને સરકારી કર્મચારીઓ હડતાળ કરી રહ્યા છે. મોટાભાગના સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇને હડતાળમાં જોડાતા અનેક લોકોએ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યાર સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી અરજદારોએ હાલાકીઓનો સામનો કરવો જ રહ્યો.
અરવલ્લી જિલ્લામાં પણ આવી જ સ્થિતિનું નિર્માણ થયું છે. મોડાસા નગર પાલિકાના સફાઈ કામદારોએ હવે વિરોધના વંટોળમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. મોડાસા નગર પાલિકાના 180 જેટલા સફાઈ કામદારોએ પોતાની પડતર માંગણીઓને લઇને નગર પાલિકા ખાતે વિરોધ પ્રદર્શન અને સુત્રોચ્ચાર કર્યા હતા. મોડાસ નગર પાલિકાના 180 જેટલા સફાઈ કામદારોએ તેમની પડતર માંગણીઓને જલદીથી સંતોષવામાં આવે તેવી માંગ કરી હતી.
સફાઈ કામદાર મહિલાએ મોડાસા નગર પાલિકાના ચિફ ઓફિસર સાથે વાતચીતમાં આપવીતી જણાવી હતી અને કહ્યું કે, આટલી મોંઘવારીમાં ઘર કેવી રીતે ચલાવવું. મહિલાના સવાલનો જવાબ આપતા ચિફ ઓફિસર સંજય પંડ્યાએ જણાવ્યું કે, પાલિકા દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સફાઈ કામદારોની મુખ્ય માંગ
1.7મા પગાર પંચનો લાભ
2.જુની પેન્શન યોજના લાગૂ કરવી
3.જે કર્મચારી મૃત્યુ પામ્યો હોય તેના પરિવારજનને નોકરી
મોડાસા નગર પાલિકાના સફાઈ કામદારોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી 5 દિવસોમાં તેઓની માંગ નહીં સંતોષવામાં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.