27 C
Ahmedabad
Thursday, April 25, 2024

વ્યક્તિ વિશેષ :અરવલ્લીને વિશ્વ ફલક પર નામના અપવાનાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ભલાજી ડામોર હવે કાળી મજૂરી કરી વિતાવી રહ્યા છે જીવન


ઈશ્વર પ્રજાપતિ

Advertisement

ભારતમાં ક્રિકેટને ધર્મ માનવામાં આવે છે અને તેના ખેલાડીઓને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. ભારતમાં રામતવીરોમાં સૌથી વધારે માનપાન ક્રિકેટરો મેળવે છે. આવા ભારતમાં વિશ્વકપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ચૂકેલા અરવલ્લીના બલાઇન્ડ ક્રિકેટર ભલાજી ડામોર દારુણ ગરીબીમાં જીવન જીવવા મજબૂર છે. આવો આજે અવગત થઈએ બ્લાઇન્ડ વિશ્વકપના હીરો રહી ચૂકેલા ઓલરાઉન્ડર ખિલાડી અને અનેક હાડમારીઓ વચ્ચે જીવન ગુજારતા ભલાજી ડામોર વિશે.
અંધ ક્રિકેટ વિશ્વકપમાં ભારતને ગૌરવ અપાવનાર અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના યુવાન ક્રિકેટર ભલાજી ડામોરની આ વાત છે. માલપુર તાલુકાના 1500ની વસ્તી ધરાવતું પીપરાણા ભલાજીનું ગામ છે. ભલાજી ડામોર 1998માં બ્લાઇંડ વિશ્વ કપના હીરો રહી ચુક્યા છે. સાત દેશો વચ્ચે રમાયેલી બ્લાઈન્ડ ક્રિકેટ વિશ્વકપમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ભલાજી ડામોર હાલ દારુણ ગરીબીમાં જીવન પસાર કરી રહ્યા છે.

Advertisement

ઓલિમ્પિક્સ કે ક્રિકેટમાં વિજેતા બનનારને સરકાર કરોડો રૂપિયાના ઇનામ અને પ્રોત્સાહન આપે છે જયારે ગુજરાતને રાષ્ટ્રીય અને વિશ્વ કક્ષાએ ખ્યાતિ અપાવનારા એવા પણ ખેલાડીઓ છે કે જેમની સરકાર કે સમજે એની નોંધ પણ લીધી નથી . સરકાર દ્વારા પ્રોત્સાહન અને સહાય ન મળવાના કારણે ખેલાડીઓએ રમવાનું છોડી દેવું પડે છે અને નાનું-મોટું કામ મળે તે કરીને પેટનો ખાડો પૂરવો પડે છે. જો સરકાર દ્વારા આવા ખેલાડીઓને પૂરતું માર્ગદર્શન, પ્રોત્સાહન અને સહાય આપવામાં આવે તો આ ખેલાડીઓ પણ વિશ્વ કક્ષાએ મોટો મુકામ પ્રાપ્ત કરી શકે છે અને માનભેર જીવી શકે છે.
નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ રાજ્યનું નામ ઉચું કરનાર આ ખેલાડીઓની હાલત જોઈને કોઈ ગરીબ કે સામાન્ય વ્યક્તિ સ્પોર્ટ્સમાં કરિયર બનાવવાનો વિચાર પણ નહીં કરે. ગુજરાત સરકાર દ્વારા માર્ચ, ૨૦૧૬માં નવી સ્પોર્ટ્સ પોલિસી લૉન્ચ કરવામાં આવી પણ જેમણે ખરેખર રાજ્યને સ્પોર્ટ્સ ક્ષેત્રે ગૌરવ અપાવ્યું છે તેમના માટે રાજ્ય સરકાર કંઈ કરી શકી નથી અને આ રમતવીરો કફોડી સ્થિતિમાં જીવી રહ્યા છે.

Advertisement

Advertisement

ભલાજી ડામોર જન્મથી જ અંધ છે. તે સમયે તેના માતા-પિતાને અંધ પુત્ર હોવા બાબતે ભારે દુઃખ હતું. ગામની પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી રાષ્ટ્રીય અંધજન મંડળ ઇડર ખાતેની સંસ્થા સાથે જોડાયા અને અહીં અભ્યાસ કરી ધોરણ 10 પાસ કર્યું હતું.બ્લાઇન્ડ હોવા છતાં રમત-ગમતમાં તેઓની રુચિ ગજબની હતી. પોતાની આગવી આવડતને કારણે અંધ વિદ્યાર્થીઓ સાથે 1992થી ક્રિકેટ રમવાનું શરુ કર્યું. શરૂઆતમાં સ્થાનિક કક્ષાએ ક્રિકેટ રમી તેમાં સારો દેખાવ કરી 1992માં ગુજરાત કપ રમી વિજેતા બન્યા. બાદ એ જ વર્ષમાં જોનલ કક્ષાએ પસંદગી પામ્યા. 1993 માં મહારાષ્ટ્રને હરાવી નેશનલ કક્ષાએ પોતાની કાબેલિયત પુરવાર કરી. સખત પરિશ્રમ કરી ઓલરાઉન્ડર તરીકે આ ખેલાડીએ સારી નામના મેળવી. આ ઉપરાંત અમદાવાદ અને મુંબઈ ખાતે અંધ વિશ્વ કપમાં પસંદગી પામવા માટે તનતોડ પુરુષાર્થ કર્યો. આખરે ધગશ પૂર્ણ કરેલી તેઓની મહેનત રંગ લાવી. અને બ્લાઇન્ડ વિશ્વ કપ માટે ભારતીય ટીમમાં તેઓ સ્થાન પામ્યા. 1998માં નવી દિલ્હી ખાતે સાત દેશો વચ્ચે યોજાયેલ બ્લાઈન્ડ ક્રિકેટ વિશ્વકપમાં ભલાજી ડામોરે ભારત દેશ વતી પ્રતિનિધિત્વ કર્યું. વિશ્વ કપ દરમિયાન રમાયેલ તમામ મેચોમાં તેઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. વિશ્વકપમાં ઓલરાઉન્ડર ક્રિકેટર તરીકે તેઓ ઉભરી આવ્યા. વિશ્વકપ દરમિયાન પાકિસ્તાન સામેની રસાકસીભરી દિલધડક મેચમાં 64 રન ફટકારી તેઓ નોટ આઉટ રહી, પાકિસ્તાનને ક્રિકેટના મેદાનમાં ધૂળ ચાટતું કરી, ભારતની ટીમને એકલે હાથે સેેમિફાઇનલમાં પ્રવેશ અપાવ્યો હતો. જ્યારે સાઉથ આફ્રિકા સામે રમી 10 ઓવરમાં 11 રન આપી ચાર વિકેટો ઝડપી સૌથી શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અનેક વાર તેઓ મેન ઓફ ધી મેચનો ખિતાબ હાંસલ કરવામાં સફળ રહ્યા. સમગ્ર વિશ્વકપ દરમિયાન ઓલરાઉન્ડર તરીકે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ મેન ઓફ ધ સીરિઝનો ખિતાબ પણ ભલાજી તેમના નામે કર્યો હતો.બ્લાઈન્ડ ક્રિકેટ વિશ્વ કપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ તત્કાલીન રાષ્ટ્રપતિ કે.આર. નારાયણને ભલાજી ડામોરનું સન્માન કર્યું. વિશ્વ કપ દરમિયાન ભલાજીને અન્ય ખેલાડીઓ સચિન તેંડુલકર કહીને બોલાવતા હતા. સમગ્ર ક્રિકેટની સફરમાં અત્યાર સુધીમાં 150થી વધુ મેચો રમી અને 7000 થી વધુ રન તેઓએ બનાવ્યા છે. અને ૧૨૫ થી વધુ વિકેટો ઝડપી છે.

Advertisement

આવા હોનહાર પ્રતિભાસંપન્ન ખેલાડીની હાલની આર્થિક પરિસ્થિતિ દયનીય છે. તેઓની પત્ની અનુ અને ઘરડા મા-બાપ કાળી મજૂરી કરી પેટનો ખાડો પુરવા મથી રહ્યા છે. તેઓના બે સંતાનો સતીશ અને આકાશના ભવિષ્ય ઉપર પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે.ઇન્ટરનેશનલ ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજિત વિશ્વકપની કોઈ એક મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સામાન્ય ખેલાડી પર સરકાર અને ખાનગી કંપનીઓ દ્વારા ઇનામોનો ધોધ વરસાવવામાં આવે છે. માત્ર એક ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમી સામાન્ય ક્રિકેટનો ખેલાડી કરોડોના આસામી બની જતા હોય છે. અને શાહી ઠાઠમાઠથી જીવન પસાર કરતા હોય છે. જ્યારે સંપૂર્ણ દ્રષ્ટિહીન ભલાજી ડામોર અનેક પડકારો વેઠી, ક્રિકેટ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડી વિશ્વ કક્ષાએ ભારતને ગૌરવ પ્રદાન કર્યું હોવા છતાં આજે પશુઓ ચરાવી ગુજરાન ચલાવી રહ્યા છે. તેઓને મળેલ અનેક એવોર્ડ્સ અને ટ્રોફીઓ ઘરના ખૂણામાં એક પાટિયા પર મુક સાક્ષી બની હોનહાર ખેલાડીની જીવન ઘટમાળ નિહાળી રહી છે.

Advertisement

Advertisement

ગરીબ માતા-પિતાએ દાગીના ગીરવે મૂકી, પેટે પાટા બાંધી ભલાજીની ક્રિકેટ ક્ષેત્રી કારકિર્દી ઘડવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ઇન્ટરનેશનલ કક્ષાએ ક્રિકેટ રમ્યા પછી જાણે જિંદગી બદલાઈ જશે એવા અનેક સપનાઓ આ યુવાને સેવ્યા હતા. તેઓને શ્રદ્ધા હતી કે તેઓ દેશ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તો સરકાર ચોક્કસથી તેઓને નોકરી અને આર્થિક બાબતે સહાય કરશે પરંતુ તેઓની આ આશા ઠગારી નીવડી. ખેલ મહાકુંભ જેવા તાઈફાઓ પાછળ કરોડો રૂપિયા વેડફી નાખનાર સરકારને આવા પ્રતિભાસંપન્ન ખેલાડીઓની કઈ જ પડી નથી કે નથી પડી સમાજને. ભારત દેશને ગૌરવ અપાવવા માટે પોતાની સમસ્ત કારકિર્દી હોડમાં મૂકી દેનાર ખેલાડીનો પરિવારને આજે બે ટંક પેટનો ખાડો પુરવા માટે પણ ફાંફા મારવા પડે છે. વિશ્વ કપ રમી ચૂકેલા પ્રતિભાસંપન્ન ખેલાડીની આવી દયનીય સ્થિતિ જોઈ કોઇપણ યુવાન રમત-ગમત ક્ષેત્રે કારકિર્દી ઘડતા પહેલાં સો વખત વિચાર કરશે. વિશ્વ કક્ષાએ ભારતને સન્માન અપાવવા જેણે પોતાનું જીવન રમત ગમત માટે ન્યોછાવર કરી દીધું એવો પરિવાર ઘોર અંધકારમાં જીવી રહ્યો છે. આશા છે કે સરકાર કે કોઈ સામાજિક સંસ્થા સુધી આ વાત પહોંચે. સરકાર અને સામાજિક સંસ્થાઓ સુધી આ વાતને પહોચાડવા આપ પણ માધ્યમ બની શકો છો. શક્ય છે કે ઘોર અંધકારમાં જીવતા ભાલાજીના માસૂમ સંતાનો સતીશ અને આકાશને ઉજ્જવળ ભવિષ્ય સાંપડે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!