Advertisement
ઈશ્વર પ્રજાપતિ
Advertisement
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાનું અંબાવા ગામ તેઓનું વતન. પિતા માત્ર ચાર ચોપડી ભણેલા. પિતાજી દાળી મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી કંગાળ કે બે ટંકનું ભરપેટ ભોજન પણ ન મળે. ઘરમાં બીજી પ્રાથમિક સુવિધાઓ તો દૂરની વાત છે. ઘરમાં ઘડિયાળ સુધ્ધાં ન મળે. ઘર આગળ આવતા તડકાને આધારે સમય નક્કી કરી શાળાએ જવું પડતું. અનેક અભાવોમાં બાબુભાઈનું બાળપણ વીત્યું છે. પ્રાથમિક શિક્ષણ ગામની પ્રાથમિક શાળામાં લીધું. અને હાઈસ્કૂલના અભ્યાસ માટે માલપુર જવું પડતું. શાળામાં ચાલીને જવું પડતું. સાયકલની વાત તો દૂર રહી પગમાં પહેરવા ચપ્પલ પણ ન મળે. બીમાર માતાની સારવાર માટે રોજ બપોર પછી શાળાએથી ઘરે જતું રહેવું પડતું. ઘરકામની તમામ જવાબદારી બાબુભાઈના શિરે હતી. એક બાજું અભ્યાસ, બીજી બાજું ઘરકામ અને પરિવારની આર્થિક મદદ માટે દાળી પણ જવું પડતું. માટે અભ્યાસમાં પૂરતું ધ્યાન ન આપી શક્યા. માંડ બે ટ્રાયલે દસમું પાસ કર્યું. બીમાર માતાની સેવા સુશ્રુસા કરવા દસમા પછી ઓછી ઉંમરે જ લગ્ન કરવાં પડ્યાં. પત્ની પણ નિરક્ષર.
ઘરની સ્થિતિ જોતાં આગળ અભ્યાસ કરવો પોસાય એમ પણ ન હતો. પિતાને આર્થિક મદદ મળી રહે એ માટે નાની મોટી નોકરી કરવાનો સંકલ્પ કર્યો. દેશ સેવાની આગ દિલમાં પહેલેથી જ પ્રજ્વલિત હતી. મામાનું માર્ગદર્શન મળ્યું. અને ઇન્ડિયન આર્મીમાં ભરતી થવાનું નક્કી કરી લીધું. બાળપણથી જ કરેલા કઠોર પરિશ્રમને કારણે શરીર કસાયેલું અને ખડતલ હતું. મામા સાથે સૈન્યની ભરતીમાં અમદાવાદ હનુમાન કેમ્પ ગયા. હોટેલમાં રોકાવાના તો પૈસા હતા નહીં એટલે શીંગ ચણા ખાઈ ત્યાં ઓટલા ઉપર જ કંતાન પાથરી સૂઈ ગયા. બીજા દિવસે સવારે દોડ લગાવાની હતી. આ દોડ જ આગળનું ભવિષ્ય નક્કી કરવાની હતી. રાતનું ભૂખ્યું પેટ અને પૂરતી ઊંઘ પણ થઈ ન હતી. આટલી ભીડમાં કેવી રીતે દોડ પુરી કરવી?? ત્યાં તો ઘરનાં દૃશ્યો નજર આગળ તરવળવા લાગ્યાં. કસીને મુઠ્ઠીઓ વાળી અને કચકચાવી ને દોડ લગાવી. જાણે કોઈ દૈવી શક્તિ જ મદદે પહોંચી. અને એ બધા ઉમેદવારોમાં બાબુભાઈ પ્રથમ આવ્યા.
સૈન્યમાં ભરતી થતાં પ્રથમ પોસ્ટિંગ જ સિયાચીન ગ્લેશિયરમાં થયું. ચોતરફ છવાયેલા બરફ અને ઓક્સિજનની ઉણપ વચ્ચે એક એક પળ પસાર કરવી દુષ્કર હતી. માંડ દસ ડગલાં ચાલો ત્યાં હાંફ ચડી જાય. અહીં તેઓના મનોબળની ખરી કસોટી થઈ. પરંતુ દિલમાં દેશ માટે કંઈક કરી છૂટવાનું ઝનૂન એટલું જબરદસ્ત હતું કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ સામાન્ય બની જતી.
થોડા જ વખત બાદ તેઓનું પોસ્ટિંગ દહેરાદૂન ખાતે થયું અને જીવનમાં એક નવો ટર્નિંગ પોઇન્ટ આવ્યો. અહીં આર્મી જવાનો માટે રમત ગમતની સ્પર્ધામાં ભાગ લેવો ફરજીયાત હતો. બાબુભાઈને રમત ગમતમાં કોઈ રસ ન હતો. એમને તો બસ બંદૂક ચલાવવામાં જ રસ હતો. પરંતુ કમાન્ડરના કહેવાથી દોડમાં ભાગ લેવો પડ્યો. એક સાથે 700 જવાનોની દોડ થઈ અને તેમાં બાબુભાઈ પ્રથમ આવ્યા. કમાન્ડર આ જોઈ ચકિત થઈ ગયા. એમને લાગ્યું “ઈસ બંદે મેં દમ હૈ” કમાન્ડરે બાબુભાઈ ને પૂછ્યું “દેશ કે લિયે દોડગે??” બાબુભાઇએ જવાબ આપ્યો “મેં સિર્ફ બંદૂક ચલાઉગા” કમાન્ડરે બાબુભાઈને ખૂબ સમજાવ્યા 50 કિલોમીટરની દોડ માટે તૈયાર કર્યા. અને પછી પ્રેક્ટિસ ચાલું થઈ. બાબુભાઈ રોજ રાત્રે 2 વાગે ઉઠી જાય અને દોડવાનું શરૂ કરે. સવાર સુધી પ્રેક્ટિસ ચાલું રાખે.
તનતોડ મહેનત કરી. વર્ષ 2004માં યોજાયેલી ઓલ ઇન્ડિયા આર્મીની સ્પર્ધામાં બાબુભાઈ ચોથા નંબરે આવ્યા. ફરી મહેનત આદરી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. પરંતુ રમત પણ રાજનીતિથી અછૂત નથી. કોચની રાજનીતિનો ભોગ બાબુભાઈ બન્યા. અને નેશનલ ટીમમાંથી નામ કાઢી નાખવામાં આવ્યું. શ્રેષ્ઠ પ્રદર્શન કરવા છતાં નામ કાઢી નાખતા કર્નલ સાથે ઉગ્ર બોલાચાલી થઈ. નોકરીની પરવા કર્યા વિના તેઓએ કર્નલની વિરુદ્ધ માં ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી. તેઓ દોડની સ્પર્ધાના ખેલાડી હતા. કોચના સમજાવવાથી walking race માટે પ્રેક્ટિસ ચાલુ કરી. અને આર્મી, નેવી અને એઈર ફોર્સ એમ ત્રણેય પાંખની સ્પર્ધામાં બાબુભાઈ મેદાન મારી ગયા. તેઓને સિપાઈમાંથી હવાલદાર તરીકે પ્રમોશન મળ્યું.
ત્યારબાદ પ્રેક્ટિસ માટે તેઓનું દિલ્હી ખાતે પોસ્ટિંગ થયું. અહીં તેઓ રાત્રે 1 વાગે ઉઠી સવાર સુધી પ્રેક્ટિસ ચાલુ રાખતા. અને 2007 માં યોજાયેલી સર્વિસીઝની કોમ્પિટિશનમાં તેઓએ આર્મી ને ગોલ્ડ મેડલ અપાવ્યો. બાબુભાઈની આ સફળતા કેટલાંક લોકો પચાવી ન શક્યા. એ વખતના ભારતીય કોચ હનુમાના રામ બાબુભાઈ ને કહ્યું કે “ગેમ કરને કી આપકી ઉમ્ર બિત ચુકી હૈ. આપકી બોડી મેં વો કરંટ નહીં રહા”.
નેશનલ કોચનાં આ વાક્યો સાંભળી સહેજ પણ નાસીપાસ થયા વિના એક ઝનૂન સાથે મહેનત ચાલું રાખી. અને એ જ વર્ષમાં ભોપાલ ખાતે એક રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધા થઈ. એમાં 20 કિ.મી. walking race માં બાબુભાઈ એ નેશનલ રેકોર્ડ નોંધાવ્યો. ત્યારે હનુમાના રામ કોચ ત્યાં હાજર જ હતો. બાબુભાઈ એ કોચને ખોટો સાબિત કર્યો. ત્યારે એ કોચની સ્થિતિ દયનિય હતી. તેના પંદર દિવસ બાદ ટાટાનગર જમશેદપુરમાંં યોજાયેલ સિનિયર ઓપન એથલેટીક ચેમ્પિયનશીપમાં નવો નેશનલ રેકોર્ડ સ્થાપિત કર્યો. 20 કિ.મી. walking race માત્ર 1 કલાક 23 મિનિટ અને 40 સેકન્ડ માં પૂર્ણ કરતાની સાથે જ બાબુભાઈ ઓલમ્પિક માટે ક્વોલિફાઇ થયા. તેઓને બેસ્ટ એથ્લેટ ઘોષિત કરવામાં આવ્યા. આ ઘટના અરવલ્લી માટે , ગુજરાત માટે અને દેશ માટે ઐતિહાસિક ઘટના હતી. ઓલમ્પિકનું નામ સાંભળતા જ સામાન્ય માણસના દિલની ધડકનો તેજ બની જાય છે. ઓલમ્પિક એ વિશ્વના શ્રેષ્ઠ રમતવીરોનો મહાકુંભ છે. તેમાં ભાગ લેવો દરેક રમતવીરનું સપનું હોય છે. પરંતુ લાખો રમતવીરોમાંથી જવલ્લે જ કોઈ રમતવીર આ સપનું સાકાર કરી શકે છે. વર્ષોની સાતત્યપૂર્ણ મહેનત અને જીવનની પળે પળ પોતાના લક્ષય પાછળ ખરચી નાખનાર ખેલાડીઓ ઓલમ્પિક સુધી પહોંચી શકે છે.
અરવલ્લી જિલ્લાના અંતરીયાળ ગામડાના એક સામાન્ય પરિસ્થિતિમાંથી આવનાર વ્યક્તિએ પોતાની કાબેલિયતથી દેશ અને દુનિયામાં ડંકો વગાડી દીધો. 2008 ની લંડન ખાતે યોજાયેલી ઓલમ્પિક માં ભાગ લેવા જવા માટે જ્યારે બાબુભાઇ પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ બનાવવા ગયા તે વખતે પાસપોર્ટ ઓફિસરે એક પણ રૂપીયો લીધા વિના જ પાસપોર્ટ બનાવી આપ્યો.
2007 માં બાબુભાઈ પણુંચાને રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ભારતનું કમનસીબ કે ત્રણ મહિના લંડનમાં પ્રેક્ટિસ દરમિયાન બાબુભાઈ મને હાર્ટનો દુખાવાને કારણે ઓલમ્પિક માં ભાગ ન લઈ શક્યા. ઓલમ્પિક બાદપણ તેઓ રશિયા, ઈંગ્લેન્ડ, ઉત્તર કોરિયા, જાપાન, ચીન, પોલેન્ડ જેવા 30 ઉપરાંત દેશોમાં જઈ અનેક કોમ્પિટિશનમાં ભાગ લીધો. અને ઘણા એવા મેડલ ભારતને અપાવ્યાં. સતત પ્રેક્ટિસ ને કારણે 2010 માં પગના મસલ્સને ગંભીર ઇજાઓ થઈ. એમ છતાં સાહસ કરી દિલ્હીમાં યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો. મસલ્સ પેઇનને 18 કિ. મી. ચાલતા ચાલતા બેભાન થઈ ગયા.
તાજેતરમાં જ ભારત માટે આનંદના સમાચાર આવ્યા. 14 મેં 2012 ના રોજ રશિયા ખાતે યોજાયેલ IAAF ની કોમ્પિટિશન માં આખા વિશ્વના સ્પર્ધકોમાં બાબુભાઈ ચોથા ક્રમે આવ્યા હતા. એ સ્પર્ધામાં ત્રીજા ક્રમે અસવાનાર યુક્રેનનો ખેલાડી પરના ડોપિંગના આરોપો સાબિત થતાં એ ખેલાડી ડિસ્ક્વોલિફાઇડ જાહેર કરતા બ્રોન્ઝ મેડલના સાચા હકદાર બાબુભાઈ બન્યા છે. બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થતાં ફરી એક વાર બાબુભાઈ ભારતની શાન વધારી છે.
કરમની કાઠીનાઈ એ છે કે જે ખેલાડીએ દેશ માટે પોતાની યીવાની ખરચી નાખી છે. એ ફોજી જવાન છેલ્લા દોઢ વર્ષથી ઘરે કાળી મજૂરી કરી દિવસો પસાર કરે છે. ફોજમાંથી નિવૃત્ત થઈ ને ઘરે આવ્યા બાદ પોતાના પુત્રનો અકસ્માત થતાં તમામ બચત દીકરાની સારવાર પાછળ ખરચી નાખી. અનેક નેશનલ રેકોર્ડ જેના નામે છે એવા આ ખેલાડીને રહેવા માટે પાકું મકાન પણ નથી. ફોજીની નોકરીની નિવૃત્તિ બાદ બીજી નોકરી માટે વલખા મારવાં પડે છે. માટીના કાચા મકાનમાં આ આંતરરાષ્ટ્રીય આ ખેલાડી વસવાટ કરવા મજબૂર છે. આખો દિવસ ખેતરમાં મજૂરી કરે છે. અને રાત્રે 2 વાગે ઉઠી ચાલવાની પ્રેક્ટિસ કરે છે. બાબુભાઈ 2020 ની ઓલમ્પિક ની તૈયારી કરી રહ્યા છે. પરંતુ કોમ્પિટિશન માટે જોઈતા પ્રોફેશનલ શૂઝ દસ હજારના આવે છે. એ લાવવાના પણ આ રમતવીર પાસે પૈસા નથી. તેઓનું બ્રાન્ડેડ શોર્ટસ અને બનીયાનની કિંમત ચાર થી પાંચ હજાર થાય છે.
Advertisement