ઈશ્વર પ્રજાપતિ
અરવલ્લીના માલપુર તાલુકાના એક અંતરિયાળ વિસ્તારમાં વનમાં વૃંદાવન સમી એક રળિયામણી શાળા નિર્માણ પામી છે. માલપુર તાલુકાનું ભુતા ગામ એટ્લે સાવ છેવાડાનું ગામ. અહીં આસપાસના ડુંગરો પર છુટાં છવાયાં ઝૂંપડા બાંધી લોકો વસવાટ કરે. ગરિબી અને નિરક્ષરતાને કારણે અનેક હાડમારીઓને વચ્ચે નિરવાહ કરતાંઆઅ ભોળી પ્રજામાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ તો ક્યાંથી હોય? પરંતુ 2005 માં એક શિક્ષિકા બેન કચ્છમાંથી જીલ્લાફેરથી ભુતા શાળામાં હાજર થયાં. શાળા,સમાજ અને ગામની દયનિય સ્થિતિ નિહાળી. શાળાની હાલત કફોડી હતી. જર્જરિત અને છત પર પતરાં પણ નહિ તેવી રૂમ અને ખૂબ ઓછી સંખ્યામાં બાળકો જે અત્યંત દયનીય ચીંથરેહાલ મેલાં કપડાં અને બિલકુલ અસ્વચ્છ જે શાળા એ માત્ર મધ્યાહન ભોજન જમવા માટે જ આવતાં. આ પરિસ્થિતિને પલટાવવાના દૃઢ સંકલ્પ સાથે શિક્ષિકાબેન શિક્ષણ યજ્ઞ આરંભ્યો. અને જોત જોતામાં અહીં વનમાં વૃંદાવન રચાયું.
શિક્ષિકાબેનનું નામ છે લતાબેન વિઠ્ઠલભાઈ પટેલ
ઈડર ખાતે પી.ટી.સી. કોલેજ પૂર્ણ કરી અને સને 1999 માં કચ્છ જીલ્લામાં શિક્ષકા તરિકે જોડાયાં. નખત્રાણા તાલુકાની 10 શિક્ષકમિત્રોનો સ્ટાફ અને 630 જેટલા વિદ્યાર્થીઓની સમૃદ્ધ સંખ્યા ધરાવતી મથલ પ્રાથમિક શાળામાં. શાળામાં પાંચ શિક્ષકોની ઘટ હતી જેથી ગામના જાગૃત અને શિક્ષિત વાલીઓ શિક્ષકોની ઘટને કારણે ગામમાં પ્રાઈવેટ શાળાની મંજૂરી મેળવવા પ્રયત્નશીલ હતા. આ બાબતની લતાબેન જાણ થતાં જ તેઓએ આવા વાલીઓ સાથે વ્યક્તિગત સંપર્ક કરી સરકારી શાળાનું મહત્વ સમજાવી અને શાળાનાં બાળકોને શિક્ષણ માટે પુરતો ન્યાય આપી શકાય તે માટે પોતે શાળા સમય બાદ બે કલાક વધારે શિક્ષણ આપવાની જવાબદારી લીધી. અને એ જવાબદારી સુપેરે નિભાવી.
વર્ષ 2005 માં જીલ્લાફેર બદલી થતાં માલપુર શાળામાં જોડાયાં. શ્રી ભુતા પ્રાથમિક શાળાની એ અરસામાં શાળાની રજિસ્ટર સંખ્યા 29 અને શિક્ષક મિત્રોનું મહેકમ 2 (બે) નું હતું. શાળાનું મેદાન પણ ખાડા ટેકરા અને મોટા પથ્થરો વાળું જેથી બાળકોને શાળાના ઓરડા સુધી પહોંચતાં પણ કેટલીય ઠેસ વાગે એવું. શાળાના ઓરડાની આસ-પાસ મોટા બાવળોનું સામ્રાજ્ય હોવાથી ઝેરી જીવજંતુઓનો ડર… ફર્નિચરમાં માત્ર એક લાકડાની ખુરશી, તૂટેલું નાનું ટેબલ અને દફતર સાચવવા એક લાકડાની પેટી, પીવાના પાણીની કોઈ જ સુવિધા નહી. મધ્યાહન ભોજન માટે પણ 2 કિ.મી. થી પાણી લાવવું પડે. મ.ભ.યો. પણ બહાર ખુલ્લામાં બને. શાળા ફરતે કમ્પાઉન્ડ વોલ પણ નહી અને ખાસતો શાળાનાં બાળકો ગરીબીને કારણે કપડાં અને અભ્યાસની સ્ટેશનરી વિનાનાં અસ્વચ્છ. ગામ લોકો અને વાલીઓ ખૂબજ ગરીબ અને બિલકુલ નિરક્ષર અને વ્યસની, ગામનો કોઈ જ વિકાસ નહી. ડુંગરોમાં છૂટાં-છવાયાં ઘર. ભુતા ગામે જવા ડુંગરોની વચ્ચે ધૂળિયો મારગ ત્યાં બાળકોના શિક્ષાણ અને વ્યક્તિત્વ વિકાસ માટેની તો વાત જ શું હોય?
દયનિય હાલતથી ડર્યાં વિના લતાબેને હિંમત પુર્વક શાળાના નવ નિર્માણની શુભ શરૂઆત કરી. ગામના તમામ વાલીઓનો ડુંગરોમાં આવેલા છૂટાં-છવાયાં ઘરોમાં જઈ વાલી સંપર્ક કર્યો. શાળા શિક્ષણ અને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું. મારા અથાગ પ્રયત્નો બાદ બાળકો નિયમિત શાળાએ આવતાં થયાં. એક મા પોતાના સંઆનોની માવજત કરે એમ લતાબેન પણ પોતના વિદ્યાર્થીઓની કાળાજી લેતાં. બાળકોની સ્વચ્છતા માટે જાતે જ શાળામાં બાળકોને નવડાવવાં, બાળકોનાં કપડાં ધોવા, તેમને દાતણ કરાવવું, નખ કાપવા, માથુ ઓળાવવું, વાળ કાપવા જેવી પ્રવૃત્તિઓ શરૂ કરી બાળકોને સ્વચ્છતા માટે પ્રેરણા આપી.
બાળકોના સુઘડ પહેરવેશ માટે સૌપ્રથમ તેઓએ સ્વખર્ચે શાળાનાં તમામ બાળકોનો સુંદર ગણવેશ તૈયાર કરાવ્યો. બાળકો માટે જરૂરી સ્ટેશનરી પણ સ્વખર્ચે પુરી પાડી. બાળકો માટે શાળા તત્પરતા અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ શરૂ કરી જેથી શાળામાં બાળકોને આનંદ મળ્યો અને શાળામાં તમામ બાળકો નિયમિત બન્યા.
શાળા ગ્રાન્ટ અને ખૂટતી રકમ માટે સ્વખર્ચ કરી શાળાની રૂમની મરામત કરાવી. દીવાલોનું પ્લાસ્ટર, ભોયતળીયું, પગથિયાં અને છત પર પતરાં લગાવી રૂમને રંગ રોગાન કરાવી. અભ્યાસ માટે બાળકો બેસી શકે તેવો સારો ઓરડો બનાવ્યો. પીવાના પાણી માટે પંચાયત દ્વારા શાળાની નજીક હેન્ડપંપની માગણી કરી હેન્ડપંપ બનાવડાવ્યો થોડા સમયબાદ પાણી પુરવઠા વિભાગની કચેરીએ રૂબરૂ જઈ શાળામાં બોર મોટર મંજૂર કરાવી શાળા માટે પાણીનો પ્રશ્ન હલ કર્યો. શાળામાં સેનીટેશન, કમ્પાઉન્ડ વોલ અને કિચન શેડ માટે ટી.આર.પી. શ્રીના સતત સંપર્કમાં રહી પૂરતો કમ્પાઉન્ડ વોલ, કિચન શેડ અને કુમાર-કન્યા અને શિક્ષકગણ માટે સેનીટેશન મંજૂર કરાવી બનાવડાવ્યા.મેદાન પથરાળ અને ખાડાવાળું હોવાથી 30 ટ્રેક્ટર માટી પુરાણ કરાવી મેદાન સમથળ અને બાળકો વિના અડચણે રમી શકે તેવું બનાવ્યું. ધ્વજસ્થંભ અને પીવાના પાણીનો ટાંકો બનાવડાવ્યો. ગામમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે આંગણવાડી ના હતી તેથી CRCCo શ્રીના સહકારથી શાળાના કમ્પાઉન્ડમાં જ ઈ.સી.સી. કેન્દ્ર શરૂ કરાવ્યું. અને બે વર્ષ બાદ ઈ.સી.સી. કેન્દ્રને આંગણવાડીમાં ફેરવાવ્યું.
શાળામાં ઈતર પ્રવૃત્તિઓ, સુંદર પ્રાર્થના સંમેલન, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અને શાળાનો સુંદર વર્ગખંડ અને નયનરમ્ય શાળા સંકુલ બનાવ્યું. જેથી બાળકોને શિક્ષણ પ્રત્યે રસ કેળવાયો. બાળકો નિયમિત શાળાએ આવવા લાગ્યા અને જેની ફલશ્રુતિ રૂપ 100% નામાંકન અને સ્થાયીકરણ અને ગુણવત્તાલક્ષી શિક્ષણના ધ્યેયને હાંસલ કરી શકાયો. બાળકોને દરવર્ષે સમૂહ ગણવેશ બનાવડાવવા વાલીઓને સમજાવી શાળામાં જ દરજી બોલાવી સમૂહ ગણવેશ બનાવડાવ્યા અને જે બાળકોના વાલી ગરીબ હોય તેવા બાળકોના ગણવેશ સ્વખર્ચે બનાવડાવ્યા. દરવર્ષે પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રવાસ ખર્ચ માટે બાળકો પાસેથી 50% જ રકમ અને 50% રકમ સ્વખર્ચે ઉમેરી પ્રવાસ કરાવવામાં આવે છે. વર્ષ 2014 માં તાલુકા પ્રમુખશ્રીના સહકારથી તા.પં. કચેરીમાંથી 15000 ની પ્રવાસન ગ્રાન્ટ મંજૂર કરાવી બાળકોને મફત પ્રવાસ કરાવ્યો.
શાળામાં સુંદર ફૂલછોડ અને વૃક્ષો વાવ્યા, હિંચકા લગાવ્યા. શાળામાં બાળકોને પર્યાવરણ, સ્વચ્છતા અને અભ્યાસ પ્રત્યે સભાનતા કેળવાય તેવા અથાગ પ્રયત્નો કરી શાળાને ભૌતિક અને શૈક્ષણિક ક્ષેત્રે સુંદર અને નયનરમ્ય સરસ્વતીનું ધામ બનાવ્યું.શાળાની ઓળખ એક ગુણવત્તાયુક્ત શિક્ષણ આપનારી શાળા તરીકેની છે. શાળામાં શિક્ષણની ગુણવત્તા સારી હોઈ ભુતા જેવા ગામની શાળામાં હાલમાં બે બાળકો ખાનગી છોડી આ શાળામમાં પ્રવેશ મેળવ્યો છે. 2005 ની શાળાની રજીસ્ટર સંખ્યા 29 હતી જે હાલ વર્ષ હવે રજીસ્ટર સંખ્યા 64 અને ૩ શિક્ષકનું મહેકમ થયેલ છે.
છેલ્લા 13 વર્ષના અથાગ પ્રયત્નોથી શાળાનો ભૌતિક અને શૈક્ષણિક વિકાસ કરી એક આદર્શ શાળાનું સુંદર સર્જન કર્યું છે. શાળામાં વિવિધ શૈક્ષણિક અને મૂલ્ય વર્ધક પ્રવૃત્તિઓના નવતર પ્રયોગો દ્વારા બાળકોમાં ભારતીય આદર્શો અને જીવન ઘડતરનાં મૂલ્યોનો વિકાસ કરવામાં આવે છે. બાળકો પોતાના વાસ્તવિક જીવનમાં આવનારી મુશ્કેલીઓનો નીડરતાથી સામનો કરી શકે તેવું શિક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે.
શાળા ભલે નાની અમથી છે પરંતુ લતાબેન અને સાથી શિક્ષકોની મદદથી તમામ પ્રવૃત્તિમાં અગ્રેસર રહે છે. ગણિત- વિજ્ઞાન પ્રદર્શન, રમતોત્સવ, રસોત્સવ, ખેલ મહાકુંભની એથલેટિક્સ રમતોમાં અનેકવાર જિલ્લાકક્ષાએ અને રાજ્યકક્ષાએ તેમજ ઈનોવેશન ફેર જેવી અનેક સ્પર્ધાઓમાં શાળાનાં બાળકો અને લતાબેને ભાગ લઈ તેમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરવા બદલ અનેકવાર સન્માન મળેલ છે. તેમજ સને 2018માં માલપુર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક અને ૨૦૧૯માં અરવલ્લી જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું બહુમાન મળેલ છે