36 C
Ahmedabad
Thursday, April 25, 2024

સાધુ કેરો સંગડોના છોડો મેરે લાલ અને કોર્ટ અને પોલિસના ચક્કર


મહેન્દ્ર બગડા

Advertisement

ટીવી અને અખબારોમાં હમણા બે સમાચાર હાઈ લાઈટ પર રહ્યાં. પ્રથમ સોખડા સ્વામીનારાયણ મંદિરમાં એક સ્વામીએ કરેલી આત્મહત્યા અને સાધુઓ વચ્ચે વિવાદ. બીજો સનાતન ધર્મના સાધુઓ વચ્ચેનો વિવાદ. પ્રસિધ્ધ ભારતી આશ્રમ જૂનાગઢ અને સરખેજના મહંત વચ્ચે વિવાદ અને ત્યાર બાદ હરિહરાનંદ ભારતી બાપુનુ અચાનક ગુમ થવુ અને નાસીકથી મળી જવુ.

Advertisement

પત્રકાર બીનિત મોદી ફેસબુક પર ટુંકી પણ મજેદાર પોસ્ટ લખવા માટે પંકાયેલા છે. તેમણે સાધુઓના ગુમ થવા પર લખ્યુ કે, પહેલા બાળકો ગુમ થતા હતા અને નામ બાવાઓનુ આવતુ હતુ. હવે તો બાવાઓ જ ગુમ થવા માંડ્યા છે. બીનીત મોદીએ વ્યંગ અને કટાક્ષમાં કહ્યું છે પરંતુ જે રીતે સાધુઓ વચ્ચે સંપતી, ગાદીપતી અને ગુરુ થવા માટેનો વિવાદ છાશવારે થતો રહ્યો છે તે જોતા સાધુઓએ વિચારવાનો સમય આવી ગયો છે. જે કોર્ટાના જજ કે વકિલો આશિર્વાદ લેવા અને પોતાના સંતાનોને ધર્મની અને સત્યની કેડીઓ ચાલવા માટે જે ગુરુઓનુ માર્દર્શન લેવા માટે મોકલતા હોય તે જ જજ અને વકિલો હવે આ ગુરુઓનુ સમાધાન કરાવી રહ્યાં છે અને તેમના શાંતીના પાઠ ભણાવી રહ્યાં છે.સોખડામંદિર વિવાદ પર વાત કરીએ તો,  એક ઓગસીત્તેર વર્ષના સાધુએ પોતાના રુમમાં આત્મહત્યા કરી લેવી પડે તે કેટલી શરમજનક બાબત ગણાય. સંસારીઓ જે દેવામાં ડુબી ગયા હોય એ અથવા તો સાસુ, સસરાના અસહ્ય ત્રાસ સામે ટકી નહી શકતી મહિલાઓ આત્મહત્યા કરી લે છે. પરંતુ દેવામાં ડુબી ગયેલા વેપારી અને પારિવારીક ત્રાસ સહન કરનારી સ્ત્રી જેનુ માર્ગદર્શન લેવા જાય તેવા સાધુઓ જ આત્મહત્યા કરી લે તે સંપ્રદાય અને તેમની ભક્તી પર આ વોટ્સએપ યુગમાં શંકાઓ થાય તે સ્વાભાવિક છે.

Advertisement

ગુણાતીત સ્વામીએ પોતાના રુમમાં આત્મહત્યા કરી લીધી તેવો દાવો પ્રેમસ્વરુપ સ્વામી તરફથી કરવામાં આવ્યો, જ્યારે પ્રબોધ સ્વામીના વકિલોએ કોર્ટને જણાવ્યું કે સોખડા મંદિરમાં સાધુઓની કોઈ સલામતી નથી. સંસાર ત્યાગી, પૈસા, સ્ત્રી , લોભ મોહ વગેરેથી છુટવા માટે ભગવો ધારણ કર્યા બાદ ઉપરોક્ત તમામ બાબતો માટે સંસારીઓ કરતા પણ વધુ નિચલી કક્ષાએ ઉતરી જઈ કોર્ટ સુધી જવુ પડે તે સાધુઓને શોભતુ નથી. આના કરતા તો સંસારીઓ સારા, જે કંઈ કરે છે તેનો દંભ તો રાખતા નથી.સંપ્રદાયો જાણે કે બન્યા જ હોય વિવાદ કરવા માટે એમ સતત કોઈને કોઈ સંસ્થા વચ્ચે વિવાદ ચાલ્યા જ કરે છે. મંદિરનો કબજો, મંદિરની ચૂંટણી વગેરે માટે સતત કોર્ટ, પોલિસ કેસ ચાલ્યા જ કરે છે. ત્યારે સાવ સામાન્ય શ્રધ્ધાળુને પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે જો તમારે સંસારીની જેમ જ રાગ દ્વેશ કે મોહ માયામાં રાચવુ છે તો ભગવો ઉતારી પેન્ટ શર્ટ અથવા તો બરમુડા ચડ્ડી પહેરી લેવા યોગ્ય છે.

Advertisement

સનાતન ધર્મમાં પ્રમાણાં ઓછા વિવાદ થતા હોય છે. કારણ કે અખાડા આધારીત સંત વ્યવસ્થામાં મોટે ભાગે સુચારુ વ્યવસ્થા હોય છે. પરંતુ જૂનાગઢ ભારતી આશ્રમ અને સરખેજ ભારતી આશ્રમના વિવાદ વચ્ચે હરિહરાનંદ ભારતી બાપુએ નાસીક તરફ પ્રયાણ કર્યુ અને બે ચાર દિવસ ટીવી અને અખબારોમા છવાઈ ગયા તે પણ શ્રધ્ધાળુઓ માટે ચિંતાનુ કારણ બન્યુ.

Advertisement

ઋષિભારતી અને હરિહરાનંદ ભારતી બંનેએ સાથે બેસી સમસ્યાનુ નિરાકરણ શોધી લેવુ જોઈએ. આ બંને સંતને હુ વ્યકતીગત ઓળખુ છું. બંને સંતોને મે વાંકિયા આશ્રમમાં ગત ઉનાળામાં સાથે એક કાર્યક્રમમાં સાંભળ્યા હતા. હરિહરાનંદબાપુ સૌમ્ય અને મીતભાષી છે જ્યારે ઋષિભારતીબાપુ સારા વકતા અને હિન્દુધર્મના સારા અભ્યાસુ છે.  ભારતીઆશ્રમ જેવા હાઈ પ્રોફાઈલ આશ્રમનો વિવાદ અખબારના પાને ચડે તે તેમના સેવકો માટે દુખની ઘટના છે.
હજુ સંપ્રદાયોના અને સનાતન ધર્મના સાધુઓનો વિવાદ ચાલી રહ્યો હતો ત્યાં જ જામનગરની કથામાં રમેશભાઈજીએ મંદિરના પુજારીઓને ભીખારી કે એવુ કંઈક કહી દીધુ. પુજારીઓ લાલચોળ છે. રાજ્યસત્તાની સાથે સાથે ચાલનારા કથાકાર મોરારીદાસબાપુ હરિયાણીએ પણ આમઆદમી પાર્ટી અને ભાજપની સ્કુલની કથળેલી હાલત પરના વિવાદમાં જંપલાવી ભાજપ સરકારને ક્લીનચીટ આપી દીધી, એનાથી કોંગ્રેસીઓ અને આપ વાળા નારાજ છે.

Advertisement

આમ તો સાધુઓના ક્લાસ લેવા પડે તેવી સ્થીતી આ્રવી ગઈ છે. હુ કેટલાક સંત, સાધુઓને ઓળખુ છું જેવો ખાસ પ્રસિધ્ધી વગર પોતાના કાર્યમાં રચ્યા પચ્યા રહે છે. સંપ્રદાયોના અને બીજા સાધુઓએ આવા સાધુઓ પાસેથી ફરી પાછી દિક્ષા કે જ્ઞાન લેવુ પડે તેવા દિવસો આવી રહ્યાં છે.

Advertisement

સત્તાધારની જગ્યાના વિજયબાપુ, માનવ મંદિર વાળા ભક્તીરામ બાપુ અને જ્ઞાનપીપાસુ રાધિકાસાહેબ.
રાધિકાસાહેબ અત્યંત વિદ્વાન અને જ્ઞાની સંત છે. ખુબ લો પ્રોફાઈલ રહી ધ્યાન, ભક્તી અને શિક્ષણ સંબંધી પ્રવૃતીઓ કરે છે. કોઈ આડંબર નહી, કોઈ દેખાવો નહી. શિષ્ય ભેગા કરવાની જીદ કે હોડ નહી. બસ શાંતીથી પોતાના પુસ્તકો, લેખન વગેરમાં સમર્પીત.

Advertisement

ભક્તીરામ બાપુ કર્મશીલ સંત છે. સમાજે તરછોડી દીધેલી, જેમનુ કોઈ નથી તેવી અત્યંત લાચાર અને જોઈને જ દુખ અને વેદનાની કંપારી છુટે તેવી પાગલ અથવા તો મનોરોગી સ્ત્રીઓને ગામે ગામથી શોધી, પોતાને ત્યાં લાવી પોતાના બાળક જેવી હુંફ આપી સાચવવાનુ ઉત્તમ કાર્ય કરે છે.

Advertisement

ભક્તીરામબાપુની સાધના કે ભક્તી જે ગણો તે આ મનોરોગી સ્ત્રીઓના જીવનમાં ખુશી લાવવી તે છે. અનેક સ્ત્રીઓને પુન સમાજમાં સેટલ કરી છે. રસ્તા પર વગર કપડે રખડતી, કોઈ અસામાજીક તત્વોનો ભોગ બને તે પહેલા બાપુ આશ્રમે લઈ આવે અને તેને સાચવી સાજી કરે.

Advertisement

વિજયબાપુ પ્રસિદ્ધ સતાધાર આશ્રમના મહંત છે. ઉજ્જવળ શૈક્ષણીક કારકીર્દી ધરાવતા અને આઈપીએસ કે કલેકટર થવાની પુર્ણ સંભાવના વચ્ચે ધર્મની કેડીએ ચાલી નીકળ્યા. સતાધાર આવી સાધના કરી અને આજે સતાધારને ફરી પાછુ એજ શામજીબાપુવાળા સતાધારની કક્ષાએ પહોંચાડી દીધુ છે. ભુખ્યાને ભોજન, નીરાધારને આશરો, માતા-પીતા વિહોણી કન્યાઓને લગ્ન કરાવી આપવા અને ગાયોની સેવા એ વિજયબાપુનુ મુખ્ય કામ છે. આ ઉપરાંત અનેક એવા આશ્રમો, સંતો છે જેમણે હિન્દુ ધર્મનુ ગૌરવ વધાર્યુ છે. લોકઉપયોગી કામ કરે છે. સૌરાષ્ટ્રના કેટલાક પ્રસિધ્ધ સંતો અને જગ્યાઓ પર નજર. જૂનાગઢના પ્રસિધ્ધ શેરનાથ બાપુનો ગોરક્ષ આશ્રમ , બગદાણા બજરંગદાસબાપાનો આશ્રમ, ચલાલા દાનબાપુની જગ્યા અને વલકુબાપુ, શંભુનાથબાપુ ટુંડિયા ઝાંઝરકા, પીપળીધામ વાસુદેવ મારાજ, પાળિયાદ  વિસામણબાપુનોઆશ્રમ અને સંત સમિતીના સદસ્ય ભયલુબાપુ,  ચાંપરડામાં શૈક્ષણિક ધામ દ્વારા સેંકડો વિદ્યાર્થીઓનુ જીવન સુધારી દેનાર મુક્તાનંદ બાપુ, સ્વામીનીરાયણ સંપ્રદાયના અનેક સંતો જેવા કે માધવપ્રિયદાસ સ્વામી, અગ્ની અખાડાના બુધગીરીબાપુ, સથરા ખાખીબાપુનો આશ્રમ, લવજીબાપુ- નેસડી,  મહામંડલેશ્વર ગોવીંદરામ વગેરે. આ ઉપરાંત અનેક તેજસ્વી સંતો, મહંતો હાલ ઉપસ્થીત છે પરંતુ મારી જાણ અને હુ જેમના પરિચયમાં આવ્યો છું એટલા નામ લખ્યા છે.

Advertisement

સંતોએ પણ હવે બદલાવુ પડશે, પહેલાની જેમ  માત્ર  ભગવી પોતડી  અને ઝભ્ભો પહેરી ગવૈયાઓને બોલાવી ડાયરા કરવાથી નહી ચાલે. આગામી પેઢી પ્રશ્નો પુછે તેવી  હોંશિયાર થઈ રહી છે. તેમને પણ જો તમે સંત છો તો સંતત્વ બતાવવુ પડશે. બાકી અચાનક યુવાનો, નવી પેઢી ધર્મથી દુર થઈ જશે અને તેની જવાબદારી કોના શીરે રહેશે તે એક સવાલ રહેશે.

Advertisement

અંતમાં, સાધુઓએ સત્તા માટે, ગાદી માટે કે સંપતી માટે લડવુ નહી. આ બધા કામ અમે સંસારીઓ આખો દિવસ , બારે માસ અને ચોવીસ કલાક કરતા હોઈએ છીએ. કોર્ટને સંતોના સમાધાન કરાવવા પડે તેવા સમાચારના બદલે કોર્ટ સંતના દર્શાવેલ રસ્તા પર લોકોને ચાલવાનુ સુચન કરે તેવુ જીવન જીવવુ પડશે.

Advertisement

અંતે, હજુ તો ગુણાતીત સ્વામીની આત્મહત્યાને થોડો જ સમય થયો છે ત્યાં સોખડા મંદિર દ્વારા એક ભવ્ય ઉત્સવની તૈયારીઓ આરંભી દેવાઈ છે. મૃત્યુનો અથવા તો સંતના મૃત્યુનો પણ કોઈ શોક રાખવામાં નથી આવી રહ્યો એ એક આશ્ચર્ય જન્માવે તેવી બાબત ગણી શકાય.

Advertisement

જય સનાતન ધર્મ, જય સંપ્રદાયોના સંતો અને જય ભોળા ભક્તો ઉર્ફે શ્રધ્ધાળુઓ. અસ્તુ.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!