ચોમાસુ શરૂ થતાં જ વીજ પુરવઠાની સમસ્યાઓ શરૂ થઇ જતી હોય છે, પ્રી મોન્સૂન પ્લાનિંગ વીજ તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે જોકે આવી કામગીરી પર ત્યારે સવાલો ઉઠે છે જ્યારે વીજ પુરવઠો ખોરવાય છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠાની સમસ્યાઓ શરૂ થઇ છે, જેને લઇને સ્થાનિક લોકોએ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જોકે વીજ તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગે છે.
વિજયનગર પંથકમાં વીજ પ્રવાહના ધાંધિયા, હેલ્પ લાઈન નંબર બન્યો શોભાના ગાંઠિયા સમાન
Advertisement
વિજયનગર તાલુકના બાલેટા, કોડિયાવાડા, દઢવાવ, દતોડ ચિઠોડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીની સમસ્યાઓ સર્જાવા લાગી છે. થોડીવાર વીજ પ્રવાહ શરૂ થાય અને થોડીવાર પછી બંધ થઇ જાય છે, તો કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થવાની સમસ્યાઓ પણ સર્જાઇ રહી છે. હાલ ચોમાસાની સીઝન છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં જીવ-જંતુ તેમજ મચ્છરોના ઉપદ્રવ વચ્ચે લોકોએ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે, પણ વીજ તંત્રને કોઇ જ ફરક પડતો ન હોય તેવું લાગે છે. વીજ તંત્રની સમસ્યાઓને લઇને સ્થાનિક લોકો UGVCL નો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે જોકે ફોન પણ બંધ આવતા હોવાની ફરિયાદો મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી આ જ પ્રકારની સમસ્યાઓ સર્જાઈ રહી છે પણ વીજ તંત્ર મસ્ત હોવાનું જણાઈ આવે છે.