ઓલા ઇલેક્ટ્રિકની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક તરફ કંપની વાહનની ઘટતી માંગથી પરેશાન છે. બીજી તરફ અન્ય એક મોટા અધિકારીએ કંપનીને બાય-બાય કહી દીધું છે. છેલ્લા બે મહિનામાં ઓલા ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરની માંગને ખૂબ જ મોટો ફટકો પડ્યો છે. ઓલા ઈલેક્ટ્રિકના વાહન રજીસ્ટ્રેશન નંબરમાં મહિને મહિને તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગની અનેક ઘટનાઓને કારણે ગ્રાહકો ઓલા સ્કૂટર ખરીદવાથી ડરી રહ્યાં છે. જેના કારણે કંપનીને મોટો ફટકો પડ્યો છે.
ચાર્જિંગ નેટવર્કના હેડે કંપની છોડી
ભાવિશ અગ્રવાલના નેતૃત્વમાં ઓલા ઈલેક્ટ્રીકના ચાર્જિંગ નેટવર્ક હેડ યશવંત કુમારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા બે વર્ષમાં ઓલા ઈલેક્ટ્રીકના 30થી વધુ અધિકારીઓએ રાજીનામું આપ્યું છે. યશવંત કુમાર એક વર્ષ પહેલા ઓલા ઈલેક્ટ્રીક સાથે જોડાયા હતા. યશવંત છેલ્લા બે વર્ષમાં ઓલા ઈલેક્ટ્રિક છોડનાર 32મા અધિકારી છે. તાજેતરમાં કંપનીએ ઇલેક્ટ્રિક ફોર વ્હીલર સેગમેન્ટમાં પ્રવેશવાની જાહેરાત કરી છે.
50 ટકાથી વધુનો ઘટાડો
જો આપણે ઓલા ઇલેક્ટ્રિક ટુ વ્હીલરની માંગમાં ઘટાડાના આંકડાઓ પર નજર કરીએ તો એપ્રિલથી જૂન વચ્ચે 50ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે. એપ્રિલમાં કંપનીના વાહનોના રજિસ્ટ્રેશનની સંખ્યા 12 હજાર 703 યુનિટ હતી, જે મે મહિનામાં ઘટીને 9 હજાર 255 થઈ ગઈ છે. તે જ સમયે 4 જુલાઈના રોજ વાહન પોર્ટલ પર મળતા ડેટા પ્રમાણે તેના ઇલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશનમાં જૂનમાં 36 ટકાનો ઘટાડો થયો છે અને તે ઘટીને 5,883 એકમો પર આવી ગયો છે.
ઓલા ઈલેક્ટ્રીક વેચાણમાં ચોથા નંબરે પહોંચી
નોંધણીમાં ઘટાડા બાદ ઓલા ઈલેક્ટ્રીક મે મહિનામાં ટુ વ્હીલર સેગમેન્ટમાં નોંધણીની દ્રષ્ટિએ તેનું ટોપનું સ્થાન ગુમાવ્યું હતું. જૂનમાં ઓલા ઈલેક્ટ્રીક બે સ્થાન નીચે ચોથા સ્થાને આવી ગઈ છે. એમ્પીયર વ્હીકલ્સ અને હીરો ઈલેક્ટ્રીકે અનુક્રમે બીજું અને ત્રીજું સ્થાન મેળવ્યું છે. છેલ્લા કેટલાક મહિનામાં ઓલા સ્કૂટરમાં આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે.
કંપની ફોર વ્હીલર લોન્ચ કરવાની યોજના ધરાવે છે.
ઓલા ઈલેક્ટ્રિકના રજિસ્ટ્રેશન નંબરમાં ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે તેણે તેના ઈલેક્ટ્રિક ફોર-વ્હીલરને લોન્ચ કરવાના પ્રયાસો તેજ કર્યા છે. જૂનમાં, સ્ટાર્ટઅપે તમિલનાડુના કૃષ્ણાગિરીમાં ઓલા ફ્યુચર ફેક્ટરીમાં ગ્રાહક ઇવેન્ટમાં તેની ભાવિ ઇલેક્ટ્રિક કાર ડિઝાઇનનું પ્રદર્શન કર્યું. કંપની તેને 2023ના અંતમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.