28 C
Ahmedabad
Friday, September 22, 2023

વ્યક્તિ વિશેષ : સેવા, સાદગી અને સમર્પણનું સરનામું જશુભાઈ શાહ (મીઠાવાળા)


લેખક – ઇશ્વર પ્રજાપતિ

Advertisement

અરવલ્લી અને આસપાસના શહેરી વિસ્તારોમાં બહુ ઓછા લોકો આ નામથી કદાચ પરિચિત હશે. પરંતુ અરવલ્લીના તેમજ દાહોદ, ગોધરા, દેવગઢબારીયા જેવા અંતરિયાળ વિસ્તારોમાં અનેક પડકારો વચ્ચે જિંદગી સામે ઝઝૂમી રહેલી ગરીબ વિધવા, વૃદ્ધાઓ અને વિકલાંગો માટે જશુભાઈ મીઠાવાળા ભગવાનનું બીજા રૂપ સામાન છે. આ મસ્ત ફકીરે વિધવાઓ, ત્યકતાઓ, વૃદ્ધોની સેવામાં પોતાનું આખું જીવન ખર્ચી નાખ્યું છે. કોઈપણ જાતના પદ, પ્રતિષ્ઠા કે માન-સન્માનની અપેક્ષા વગર આ અલગારી માણસે સેવાકાર્ય માટે પોતાની આખી જાત ઘસી નાખી છે. છેલ્લા સાડા ત્રણ દાયકાથી આ તપસ્વી પુરુષે ગરીબોની સેવાનું અનોખું તપઆદર્યું છે. જશુભાઈ મીઠાવાળા એટલે જાણે કે હરતી-ફરતી એક આખી સંસ્થા જ જોઈ લો!
અત્યંત નાજુક આર્થિક પરિસ્થિતિમાં તેઓનો ઉછેર થયો. પિતાજી ચંદુલાલ કેન્સરની જીવલેણ બીમારીમાં સપડાયા અને મૃત્યું પામ્યા. જીવનમાં અનેક હડમારીઓનો સામનો કરવો પડ્યો. નબળી આર્થિક સ્થિતિને પરિણામે પોતાના જીવનમાં પડતી મુશ્કેલીઓમાંથી જ પ્રેરણા લઈ અંતરિયાળ ગામડાઓમાં વસતા ગરીબ પરિવારોની સેવા કરવાનો નીર્ધાર કર્યો. અને નિઃસ્વાર્થ ભાવે સેવાનો ભેખ ધરી નીકળી પડ્યા. મોડાસા માર્કેટમાં પોતાનો મીઠાનો ધંધો. મહિનામાં થોડા દિવસો દુકાન બેસતા. પોતાના ઘરના ઘર ખર્ચ જેટલી કમાણી કરી બાકીના દિવસો સમાજસેવા માટે માટે ખર્ચી નાખ્યા.
જશુભાઈ મીઠાવાળા ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં છેલ્લા 35 વર્ષથી ફરે છે. ગામડાની ગલીએ ગલીઓ ખૂંદીને ગરીબ, નિઃસહાય, અપંગ લોકો કે જેઓને બે ટંકનું ભોજન પણ નસીબ થતું નથી. તેવા લોકોને શોધી તેમની યાદી તૈયાર કરે છે. આવા લોકોની શોધખોળ માટે એક જ ગામમાં તેઓને 10 થી 15 વાર જાય છે. પગે ચાલીને ગામની શેરી, મહોલ્લા, પોળોમાં ઘરે ઘરે જઈ ખરેખર જરૂરિયાત વાળા લોકોને મળે છે. અને તેઓને બનતી તમામ મદદ પહોંચાડવાનું ભગીરથ કાર્ય જશુભાઈ મીઠાવાળા કરે છે.

Advertisement

અંતરિયાળ ગામડાઓમાં વસતા આ ગરીબ પરિવારોની હાલત જોતાં પથ્થર દિલ માણસનું હૃદય પણ પીગળી જાય. દિલ દ્રવી ઊઠે છે. ભારતીય સમાજ રીતસરના બે વર્ગોમાં વહેંચાઈ ગયો છે. એક વર્ગ પાસે બેસુમાર ધન દોલત છે. તેઓની સાત-સાત પેઢી આલીશાન મહેલોમાં નિરાંતે બેસીને ખાય તો પણ તેઓની સંપત્તિ ખૂટે તેમ નથી. તો આપણા સમાજની બીજી વરવી બાજુ એ છે કે કેટલાક લોકો દારુણ ગરીબીમાં સબડી મરવાના વાંકે નરક સમાન જિિંદગી જીવવા બાજબૂૂૂર છે. બે ટંક પેટ ભરીને જમવા નથી મળતું. રહેવા માટે ઘર નથી. સુવા માટે બિસ્તર નથી. ઉપર ધરતી, નીચે આકાશ!! નિઃસંતાન વૃદ્ધ દંપતી નિરાધાર છે. અપંગો પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી. આવા અનેક નિરાધાર અને નિઃસહાય પરિવારો સાથે જિંદગી એ ક્રૂર મજાક કરી છે. અને આપણો કહેવતો સભ્ય સમાજ ખૂબ જ સહજતાથી નજરઅંદાજ કરતો રહ્યો છે. ત્યારે આવા સેંકડો પરિવારોને બે ટંકનું ભોજન ઉપલબ્ધ કરાવવા નિમિત્ત બન્યા છે જશુભાઈ મીઠાવાળા. નિરાધાર નો આધાર અને નિઃસહાયનો આશરો બન્યા છે જાશુભાઈ મીઠાવાળા.

Advertisement

જે ગામમાં અત્યંત ગરીબ, નિરાધાર, અને નિઃસહાય પરિવારો રહેતા હોય તે ગામના આગેવાનો અને ગ્રામજનો સાથે જશુભાઈ મિટિંગ કરે છે. ગામના સજ્જનોને વિનંતી કરી આવા પરિવારોને બે ટંક ભોજન મળે એની વ્યવસ્થા ઊભી કરવા સમજાવે છે. જે તે ગામની વિધવા મહિલાઓ રસોઈ બનાવવા સક્ષમ હોય તેવી મહિલાઓ ની મદદ લઈ તે જ ગામમાં અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવે છે. ગામના સજ્જન નાગરિકોની મદદ લઈ જરૂરિયાત ના વાસણો અને બીજી તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે. આ અન્નક્ષેત્રમાં સૌથી પહેલો ફાળો જશુભાઈ નોંધાવે છે. અત્યાર સુધી ગુજરાતના છેક છેવાડાના 16 અંતરીયાળ ગામડાઓમાં અન્નક્ષેત્ર ચાલું કર્યા છે. જેમાં અરવલ્લી જિલ્લાના ગામો ઉપરાંત દાહોદ, ગોધરા, લુણાવાડા અને દેવગઢ બારીયા વિસ્તારનાં ગામડાઓનો સમાવેશ થાય છે. આ તમામ ગામોમાં અન્નક્ષેત્ર ચાલું કરી એ નિયમિત ચાલે એની દેખરેખ પણ તેઓ રાખે છે. અને આ તમામ અન્નક્ષેત્રમાં મહિનાની હજ્જારો કિલો શાકભાજી તેઓ જાતે પહોંચાડે છે.

Advertisement

સાવ સદા વસ્ત્રોમાં ફરતા આ સંત પુરુષ જશુભાઈની દિનચર્યા સવારે 3:00 વાગે શરૂ થાય છે. મોડાસાના મોટા શાક માર્કેટમાંથી 2000 થી 3000 કિલો શાકભાજી ખરીદે છે. ત્યાંથી શાકભાજી ના થેલા ભરી બસ સ્ટેશને જઈ. સરકારી બસોમાં મુસાફરી કરી અન્નક્ષેત્રના ગામોમાં શાકભાજી અને બીજી જરૂરિયાતોની સામગ્રી પહોંચાડે છે. જ્યાં બસ જઈ શકતી ન હોય તેવા વિસ્તારોમાં જશુભાઈ ખભે થેલા મૂકી ઉબળ ખાબડ રસ્તાઓ પર ચાલતા જે તે ગામ પહોંચે છે. અનેક હડમારીઓ વેઠીને પણ તેઓ ભૂખ્યા સુધી ભોજન પહોંચાડે છે.

Advertisement

આ ઉપરાંત દાતાઓના સહયોગ લઈ કેટલાક વિકલાંગ લોકોને ટ્રાઇસિકલ, કૃતિમ પગ, વીલ ચેર જેવાં સાધનો તેઓ ઉપલબ્ધ કરાવે છે. જાશુભાઈના પ્રયત્નોથી બાળપણમાં પોલિયોથી વિકલાંગ બનેલા અને ચાલી ન શકતા કેટલાય વિકલાંગોને વિનામૂલ્યે ઓપરેશન કરાવી ચાલતા કર્યા છે. સેંકડો ગરીબ વૃદ્ધોને નિઃશુલ્ક મોતીયાના ઓપરેશન કરાવી આપી નવી દૃષ્ટિ પ્રદાન કરી છે. આવા નિરાધાર દર્દીઓને સાથે તેઓ જાતે હોસ્પિટલ જાય છે. દર્દીઓની તમામ સેવા સુશ્રુસા પણ કરે છે.

Advertisement

દિવાળી જેવા સમયે દાતા શ્રીઓના સહયોગ થકી લાખો ના કપડાં ખરીદી ગામડે ગામડે ફરી જરૂરિયાતમંદ લોકો સુધી નવા નક્કોર કપડાં તેઓ પહોંચાડે છે. શિયાળો આવતાં ધાબળા અને સ્વેટરનું પોટલું લઈ નીકળી પડે છે. કડકડતી ઠંડીમાં ઉગાડાં શરીરે ફરતાં જરૂરિયાતમંદોમાં તે વહેંચી આવે છે. ચોમાસું આવતાં છત વિનાના પરિવારો માં તાડપત્રીનું વિતરણ પણ તેઓ કરે છે.

Advertisement

માણસ અમીર હોય કે ગરીબ તેની અંતિમ ક્રિયા સન્માન પૂર્વક થવી જોઈએ. એ વિચારે અનેક ગામોમાં સ્મશાન માટે અંતિમક્રિયા માટે શ્રીફળથી લઈ લાકડાં સુધીની તમામ સામગ્રી તેઓ વિના મૂલ્યે ઉપલબ્ધ કરવે છે.
સમાજમાં રહેલી અસમાનતા દૂર થાય. યુવાનો વ્યસન મુક્ત બને, નિરાધાર ને સહારો મળે એ આશયથી એકલા હાથે જન જાગૃતિનું અભિયાન ચલાવે છે. શાળા કોલેજોમાં જઈ યુવાન યુવતીઓ સાથે સંવાદ કરે છે. અને વ્યસન મુક્તિ માટે સમજાવે છે. વૃદ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ માટે કલંક રૂપ છે. વૃદ્ધ માતા પિતાની સેવા માટે યુવા પેઢીને સમજાવે છે. અત્યાર સુધીમાં 300 ઉપરાંત શાળા કોલેજોમાં વ્યાખ્યાન આપી ચુક્યા છે. ગુજરાતભરની અનેક સેવાભાવી સંસ્થાઓ, વૃદ્ધશ્રમો ચેરમેન અને ટ્રસ્ટી તરીકે માનદ સેવાઓ તેઓ આપી રહ્યા છે. રાજેન્દ્રનગર કૃષ્ઠ યજ્ઞ જેવી સંસ્થામાં તેઓ છેલ્લાં 25 વર્ષથી નિઃસ્વાર્થ ભાવે સેવાઓ આપે છે.

Advertisement

સેવાના ભેખધારી આ ઓલિયા માણસ પ્રામાણિકતાની પ્રેરણામૂર્તિ છે. સેંકડો દાતાઓ વર્ષે દહાડે ગરીબોની સેવા માટે કારોડોનું દાન આપે છે. જાશુભાઈને લોકો વગર પહોંચે પૈસા આપે છે. એમ છતાં સંપત્તિ માટે તેઓ નિર્લેપ રહ્યા છે. શ્રેષ્ઠીઓ પાસે થી દાન મેળવી ગરીબોની સેવા પાછળ પોતાની આખી જિંદગી ખર્ચી નાખનાર જશુભાઈની આર્થિક સ્થિતિ આજે પણ અત્યંત નાજુક છે. નથી કોઈ સંપત્તિ કે નથી કોઈ બેન્ક બેલેન્સ. મોડાસાના નાગરિક બેન્કના ખાંચામાં એક જુના પુરાણા બે ઓરડા વાળા સામાન્ય મકાનમાં તેઓ રહે છે. જીવન જરૂરિયાતની પૂરતી ચીજ વસ્તુઓ પણ તેઓના ઘરમાં નથી.
65 વર્ષની ઉંમરે પહોંચેલા જશુભાઈ તેઓની પત્ની સાથે આ મકાનમાં રહે છે. છેલ્લા દિવસોમાં અકસ્માત થતાં પગે ગંભીર ઇજાઓ થતાં ચાલવામાં પણ મુશ્કેલી પડે છે. એમ છતાં મદદ માટે કોઈનો પણ ફોન આવે તો તેઓ દોડી જાય છે. છેલ્લાં કેટલાંય વર્ષો થી પગમાં ચપ્પલ નથી પહેર્યા. પરોપકાર માટે ઉઘાડા પગે પગપાળા આખી જિંદગી ચાલ્યા જ કર્યું છે. વૃદ્ધાવસ્થા આરામ પુર્વક પસાર થઈ શકે એ માટે કોઈ જ બચત પણ કરી નથી. દાતાઓ દ્વારા એક હાથે જે મળ્યું તે બીજા હાથે ગરીબોની સેવામાં ખર્ચી નાખ્યું.

Advertisement

સરકાર કે સમજે આ વ્યક્તિએ કરેલાં કાર્યોની જોઈએ તેટલી નોંધ પણ લીધી નથી. એમ છતાં કોઈપણ જાતના માન સન્માનની અપેક્ષા વગર જ સેવાને જ પોતાનો ધર્મ બનવી આજીવન મથતા રહ્યા છે. આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા રાજ્યપાલના હસ્તે તેઓનું સન્માન કરવામાં આવ્યું .
જયાં સરકાર કે બીજી સમાજિક સંસ્થાઓ પણ ન પહોંચી શકી ત્યાં આ એકલવીર પહોંચ્યો છે. અનેક ગરીબો પીડિતોની જિંદગીમાં પરિવર્તન લાવવા માટે નિમિત્ત બન્યા છે. સમાજની સેવા કરવા ભગવાં વસ્ત્રો ધારણ કરવાં જરૂરી નથી. સદા વસ્ત્રોમાં પણ સંતનું કામ એક સામાન્ય માણસ કરી શકે છે.
જીવનભર હડમારીઓ વેઠી માત્રને માત્ર ગરીબોની સેવા પાછળ જિંદગી ખર્ચી નાખનાર સેવાના ભેખધારી જશુભાઈ મીઠાવાળા વૃદ્ધાવસ્થામાં સન્માન પૂર્વક, કોઈ પણ જાતની આર્થિક કટોકટી વિના જીવી શકે એ જોવું આપણી સામાજિક સંસ્થાઓ અને આપણા સૌની સહિયારી જવાબદારી છે.
અરવલ્લીના આ માનવ રત્નને કોટી કોટી વંદન

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!