મોડાસા APMC માર્કેટ યાર્ડમાં ચા-ખાંડના હોલસેલ વેપારમાં મોટા ગોટાળાની ચર્ચા, તપાસની માંગ ઉઠી

0
255

મોડાસા, : મોડાસા APMC માર્કેટ યાર્ડમાં ચા અને ખાંડના હોલસેલ વેપારમાં બિલ વગર માલનું વેચાણ થઈ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જાગૃત નાગરિકોમાં એવી માંગ ઉઠી છે કે આ સમગ્ર મામલાની આવકવેરા વિભાગ અને GST વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કેટલાક વેપારીઓ કથિત રીતે બિલ વગર માલનું વેચાણ કરી લાખો રૂપિયાના વેપારને ચોપડે ચડાવ્યા વગર ધંધો ચલાવી રહ્યા હોવાની ચર્ચા છે. જો આ બાબત સાચી સાબિત થાય તો સરકારને લાખો રૂપિયાની કર આવકનું નુકસાન થતું હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

ચર્ચાઓ એવી ચાલી છે કે એક તરફ સામાન્ય વેપારીઓ અને પ્રામાણિક કરદાતાઓ નિયમ મુજબ કર ભરે છે, જ્યારે બીજી તરફ જો કોઈ બિલ વગરનો વેપાર કરીને સરકારની આંખમાં ધૂળ નાંખતો હોય તો તેની સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ. GST વિભાગ અને અન્ય સંબંધિત એજન્સીઓ દ્વારા માર્કેટ યાર્ડના સંબંધિત વેપારીઓના હિસાબો, ખરીદી-વેચાણના રેકોર્ડ અને નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે, તેવી પણ ચર્ચા ચાલી રહી છે. જરૂર પડે તો દરોડા અને સર્વેની કાર્યવાહી કરીને હકીકત બહાર લાવવામાં આવે.

જાગૃત નાગરિકોનું કહેવું છે કે “દૂધનું દૂધ અને પાણીનું પાણી” થવું જોઈએ. જો કોઈ વેપારી નિર્દોષ હોય તો તેને ક્લીનચીટ મળે અને જો કોઈ ગેરરીતિમાં સંડોવાયેલો હોય તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી થવી જોઈએ.

હાલ સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને હવે સૌની નજર તપાસ એજન્સીઓની કાર્યવાહી પર ટકેલી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here