Some Populer Post

  • Home  
  • સહકાર થી સમૃદ્ધિ: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે બનાસકાંઠામાં બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ્સની મુલાકાત લીધી
- Top News

સહકાર થી સમૃદ્ધિ: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે બનાસકાંઠામાં બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ્સની મુલાકાત લીધી

[…]

WhatsApp Image 2026 02 15 at 3.38.26 AM
  • દૂધથી લઈને બાયો-સીએનજી સુધી: રાજ્યપાલ એ બનાસ મોડેલની સર્વાંગી વિકાસયાત્રાને બિરદાવી
  • વિકસિત ભારતના નિર્માણ માટે યુવા શક્તિ અને સહકારિતા અનિવાર્ય રહેશે: રાજ્યપાલ આનંદીબેન પટેલ

બનાસની ધરા પરથી સંકલ્પ લઈએ કે,ઉત્તર પ્રદેશમાં પણ શ્વેત ક્રાંતિ થકી યુવા વર્ગને આગળ વધારીને તેમને આત્મનિર્ભર બનાવીએ:- રાજ્યપાલ આનંદીબેન પટેલ

સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તેમજ વાવ-થરાદ વિસ્તાર ખાતે આવેલ બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી. તેઓ સવારે પાલનપુર સ્થિત બનાસ ડેરી પ્લાન્ટ ખાતે પહોંચ્યા હતા. પ્રવાસની શરૂઆતમાં રાજ્યપાલ એ બનાસ ડેરી કેમ્પસમાં આવેલા દુધેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા. ત્યારબાદ, ડેરીના બોર્ડ રૂમમાં બનાસ ડેરીની કામગીરી, વિકાસલક્ષી પહેલો અને સહકારી માળખાની સફળતા અંગે પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ગુજરાત તથા ઉત્તર પ્રદેશની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજ્યપાલ એ ચીઝ પ્લાન્ટ, યુએચટી પ્લાન્ટ તથા વ્હી પ્લાન્ટની મુલાકાત લઈ ઉત્પાદન પ્રક્રિયાની માહિતી મેળવી હતી.

આ પ્રસંગે રાજ્યપાલ આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, બનાસ ડેરીનું સહકારી મોડેલ આજે દેશ માટે ગૌરવ સમાન છે. બનાસના પશુપાલકોએ દૂધ ઉત્પાદન સાથે સાથે વિવિધ વ્યવસાયો ઉભા કરીને આત્મનિર્ભરતા તરફ મક્કમ પગલું ભર્યું છે. ખાસ કરીને મહિલાઓના સશક્તિકરણમાં બનાસ ડેરીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે, નવીન વિચાર અને કંઈક કરી બતાવવાની ભાવના સાથે કરેલી મહેનત ચોક્કસ સફળતા અપાવે છે. તેમણે જણાવ્યું કે, બનાસની ધરા પરથી એ સંકલ્પ લઈએ કે, ઉત્તર પ્રદેશમાં પણ શ્વેત ક્રાંતિ થકી યુવા વર્ગને આગળ વધારીને તેમને આત્મનિર્ભર બનાવીએ.

WhatsApp Image 2026 02 15 at 3.38.26 AM 1

રાજ્યપાલએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૦૪૭ સુધીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે યુવા શક્તિને આગળ લાવવી જરૂરી છે. રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓને યોગ્ય દિશા દર્શન કરવાનું કામ યુનિવર્સિટીઓએ કરવું જોઈએ. સ્વચ્છતા, વૃક્ષારોપણ અને આધુનિક સુવિધાઓ સાથે વિદ્યાર્થીઓમાં ‘દેશ પ્રથમ’ની ભાવના વિકસાવવી જરૂરી છે. તેમણે જણાવ્યું કે, દેશના દરેક ક્ષેત્રમાં પ્રગતિ થઈ રહી છે અને ડેરી ક્ષેત્રમાં પણ અનેક નવી તકો ઊભી થઈ રહી છે.

બનાસ ડેરીએ દેશમાં દૂધ ક્રાંતિ સર્જી છે. આશરે ૫.૫૦ લાખ પશુપાલકો સાથે જોડાયેલી ડેરી દરરોજ ૧ કરોડ લિટરથી વધુ દૂધ ઉત્પાદન કરે છે અને છેલ્લા દસ વર્ષમાં ટર્નઓવર ૪,૦૦૦ કરોડથી વધીને ૨૧,૫૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. ડેરી હવે આઠ રાજ્યોમાં વિસ્તરી છે અને ૮,૮૪૦થી વધુ દૂધ સહકારી મંડળીઓ તથા આશરે ૩૦ લાખ પશુઓ સાથે જોડાયેલી છે.

દૂધ ઉત્પાદન ઉપરાંત બનાસ ડેરી બાયો-સીએનજી, બટાકા પ્રોસેસિંગ, તેલ ઉત્પાદન, કેટલ ફીડ, સોઇલ હેલ્થ લેબ, એમ્બ્રિયો પ્લાન્ટ, મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જેવી સેવાઓ દ્વારા સર્વાંગી વિકાસનું મોડેલ ઉભું કર્યું છે. ડેરી ૧,૧૮૦થી વધુ પ્રોડક્ટ્સ બનાવે છે, જે ૫૨ દેશોમાં પહોંચે છે, અને ગ્રામ્ય વિસ્તારોમાં ૫૫થી વધુ ‘ઉમંગ મોલ’ શરૂ કર્યા છે. દૂધ અને ગોબર આધારિત આવકથી લાખો મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. ડેરી દ્વારા ટેક-હોમ રાશન, સીડબોલ વાવેતર અને તળાવો નિર્માણ જેવા કાર્યો પણ કરવામાં આવ્યા છે.

બપોર બાદ રાજ્યપાલ એ બાદરપુરા ફૂડ ઝોનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ઓઈલ મિલ, લોટ (આટા), હની પ્લાન્ટ અને પોટેટો ટિશ્યુ કલ્ચર લેબ જેવી અત્યાધુનિક સુવિધાઓ નિહાળી હતી. પ્રવાસના આગળના તબક્કામાં તેઓ આગથળા ખાતેના બાયો-સીએનજી પ્લાન્ટની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે બાયો-સીએનજી અને જૈવિક ખાતરના ઉત્પાદનની પ્રક્રિયામાં રસ દાખવ્યો હતો. રાજ્યપાલ એ બનાસ ડેરીના સાણાદર પ્લાન્ટની પણ મુલાકાત લેશે તેઓ આઈસ્ક્રીમ, ચોકલેટ અને મીઠાઈના વિભાગોનું નિરીક્ષણ કરશે તથા બનાસ એફ.એમ. રેડિયો ૯૦.૪ ના માધ્યમથી ખેડૂતોને પ્રેરણાદાયી સંદેશ પણ પાઠવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page