આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, નગરપાલિકા સેનેટરી વિભાગ, પુરવઠા વિભાગ અને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં!!
અરવલ્લી જિલ્લામાં શહેરોથી લઈને નાના બજારો સુધી ચાઈનીઝ ફૂડની લારીઓ અને સ્ટોલની સંખ્યા સતત વધી રહી છે. નૂડલ્સ, મંચુરિયન, ચિલી પોટેટો સહિતની વિવિધ ચાઈનીઝ વાનગીઓમાં આકર્ષક લાલ રંગ દેખાતો હોય છે. વાનગીને વધુ લાલ અને આકર્ષક બનાવવા માટે ફૂડ કલરનો ઉપયોગ થતો હોવાની ચર્ચા વચ્ચે હવે આ રંગ મંજૂર ફૂડ કલર છે કે નિયમ વિરુદ્ધનો રંગ છે, તેની તપાસ જરૂરી બની છે.
ચાઈનીઝ વાનગીઓમાં ખાસ કરીને લાલ રંગનો ઉપયોગ ગ્રાહકોને આકર્ષવા માટે કરવામાં આવે છે. ભારતમાં કેટલાક કૃત્રિમ લાલ ફૂડ કલર નિર્ધારિત મર્યાદામાં ઉપયોગ માટે મંજૂર છે, પરંતુ દરેક પ્રકારનો લાલ રંગ ખાદ્ય પદાર્થમાં વાપરી શકાય તેવું નથી. ખાસ કરીને ગેરકાયદેસર ઔદ્યોગિક રંગનો ઉપયોગ ગંભીર આરોગ્ય જોખમ ઊભું કરી શકે છે.
રાજ્યના અન્ય વિસ્તારોમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા રંગીન અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવાની તથા કાર્યવાહી કરવાની કામગીરી સામે આવી રહી છે. તાજેતરમાં ગુજરાતમાં પાલનપુર ખાતે ભેળસેળયુક્ત લાલ મરચાની ચટણીનો જથ્થો જપ્ત કરી સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે.
અરવલ્લીમાં તપાસ ક્યારે?
અરવલ્લી જિલ્લામાં પણ ચાઈનીઝ ફૂડની લારીઓમાં વપરાતા લાલ રંગ, સોસ અને અન્ય સામગ્રીની ગુણવત્તાની તપાસ કરવા માટે ફૂડ વિભાગ દ્વારા અચાનક ચેકિંગ અને સેમ્પલિંગ હાથ ધરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે. ખાસ કરીને લાલ રંગના પેકેટ પર તેનું નામ, ઉત્પાદન વિગતો અને તે ફૂડ ગ્રેડ છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવે તો વાસ્તવિક સ્થિતિ સામે આવી શકે છે.
ગ્રાહકોના આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતા આ મુદ્દે માત્ર લારીચાલકોને જવાબદાર ગણવાને બદલે કયો રંગ વપરાય છે અને તે નિયમો મુજબ મંજૂર છે કે નહીં, તેની વૈજ્ઞાનિક તપાસ જરૂરી છે. અરવલ્લી ફૂડ વિભાગ દ્વારા શહેરો અને તાલુકા મથકોએ ચાઈનીઝ લારીઓનું સઘન ચેકિંગ કરી શંકાસ્પદ રંગના સેમ્પલ લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.






