મોડાસા શહેરમાં છેલ્લા સાત દાયકાથી શૈક્ષણિક સેવા આપતી શ્રી સરસ્વતી બાલમંદિર મંડળ સંચાલિત વી.એસ. શાહ પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 156મી જન્મજયંતીની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વી.એસ. શાહ પ્રા. શાળા, ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલ, સિનિયર સિટીઝન યોગ ગ્રુપ તેમજ બી.એડ. કોલેજના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની વિશેષતા એ રહી કે શાળાના ધોરણ-1માં અભ્યાસ કરતો વિદ્યાર્થી જયમીન ગાંધીનો વેશ ધારણ કરીને આવ્યો હતો અને તેની અધ્યક્ષતામાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. મહંત બાલકદાસજી ડુંગરવાડા, સદભાવના ફોરમના ચંદ્રકાંત પટેલ તથા શાળા પરિવારના જીવદયા પ્રેમી નિલેશ જોશીની ઉપસ્થિતિમાં મહાત્મા ગાંધીજીને યાદ કરવામાં આવ્યા હતા.
ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે તેમને પ્રિય એવા ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએની તાલીમાર્થી બહેનો દ્વારા સુંદર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ રઘુપતિ રાઘવ રાજારામના ગાન સાથે શાળાના બાળકોએ પોરબંદરથી દક્ષિણ આફ્રિકા સુધીની ગાંધીજીની જીવનયાત્રા તેમજ ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં સત્ય અને અહિંસાના માર્ગે તેમણે આપેલા યોગદાનની ગાથા રજૂ કરી હતી.
ઉપસ્થિત મહેમાનોએ ગાંધીજીના જીવન અને વિચારોને યાદ કરતાં જણાવ્યું હતું કે, ગાંધીજીના જીવનમાંથી સત્ય, અહિંસા, સાદગી અને માનવસેવાના મૂલ્યો શીખવાની આજે પણ સૌને જરૂર છે. બાળકોમાં ગાંધીજીના વિચારો અને રાષ્ટ્રભાવનાના સંસ્કાર કેળવાય તેવા કાર્યક્રમોનું વિશેષ મહત્વ હોવાનું પણ જણાવાયું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા તૃપ્તિબેન જોશી તથા શાળા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે ઉપસ્થિત સૌએ મહાત્મા ગાંધી અમર રહો ના નારા સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને જન્મજયંતીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.





