હિંમતનગર તાલુકાના ગાંભોઈ નજીક આવેલા રૂપાલકંપા ગામની પાછળના ભાગે આવેલ ખેતરમાં ગુરુવારના રોજ બપોરના સમયે ઘાસના ખેતરમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. ભારે પવનના કારણે આગ ઝડપથી ફેલાતાં બાજુમાં આવેલા ખેતરોને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ વીજ થાંભલાના નીચા ઠીલા પડી ગયેલા ઝૂલતા વીજ તાર એકબીજા સાથે અથડાતા નીકળેલા તણખલાના કારણે આગ લાગી હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. યુજીવીસીએલની બેદરકારીને પગલે આ ઘટના બની હોવાનો ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આગની ઘટનામાં નજીકના પપૈયાના ખેતરમાં છોડને નુકસાન પહોંચ્યું હતું તેમજ ડ્રિપ સિંચાઈ પાઈપલાઈન બળી ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આગ વધુ વિકરાળ બનતા આસપાસના તબેલાં અને રહેણાંક મકાનો માટે પણ ભયજનક સ્થિતિ ઊભી થઈ હતી.
ઘટનાની જાણ થતા જ હિંમતનગર ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો હતો. ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ફાયર બ્રિગેડના જવાનો તથા ગ્રામજનોની મદદથી પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે વધુ નુકસાન થતું અટક્યું હતું.
આ દરમિયાન ગ્રામજનો દ્વારા રૂપાલ ફીડરમાં વીજ પ્રવાહ બંધ કરવા માટે યુજીવીસીએલને સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ ઉપરી અધિકારીની પરવાનગી વગર લાઈન બંધ કરવાની ના પાડવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના પગલે ખેડૂતવર્ગમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
હાલ ઘઉં સહિતના પાકોની લણણીનો સમય ચાલી રહ્યો હોવાથી આસપાસના ગામોમાં આ બનાવને લઈ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. બનાવની જાણ થતાં ગાંભોઈ વીજ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.



