માતૃશક્તિ અને દુર્ગાવાહિનીના સહયોગથી 2000થી વધુ ભક્તોને તિલક, ભાવભક્તિ ફેરીથી દિવસની શરૂઆત
મોડાસા, તા. 19 માર્ચ 2026 (ગુરુવાર)
હિન્દુ નવ વર્ષ (ચૈત્ર શુક્લ પ્રતિપદા) નિમિત્તે મોડાસા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદની માતૃશક્તિ અને દુર્ગાવાહિની દ્વારા ભવ્ય “હિન્દુ તિલક” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો. અવસરે શહેરના કુલ 11 મંદિરોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે કાર્યક્રમ યોજાયો હતો.
સવારે 5:00 કલાકે માતૃશક્તિ અને દુર્ગાવાહિની દ્વારા ભાવભક્તિ ફેરી અને રામધૂન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ભક્તિભાવનું અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. ત્યારબાદ સવારે 7:30 થી 10:00 વાગ્યા સુધી શહેરના ઉમિયા મંદિર, કાશી વિશ્વનાથ મંદિર, ઓધારી મંદિર, સાઈ મંદિર, મહાકાલી મંદિર, સોમનાથ મંદિર, હનુમાનજી મંદિર, ગાયત્રી ચેતના મંદિર, હોલી ચકલા મંદિર (કડિયા વાળા), રામજી મંદિર અને અમરદીપ સોસાયટી હનુમાનજી મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોને કુમકુમ તિલક અને અક્ષત લગાવી હિન્દુ નવ વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ અવસરે હિન્દુ નવ વર્ષનું મહત્વ સમજાવતાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ લોકોમાં પોતાના ઘરોમાં તોરણ બાંધવા, રંગોળી બનાવવાની, ભગવો ધ્વજ ફરકાવવાની, પાંચ દીવા પ્રગટાવવાની અને સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છાઓ પાઠવવાની પ્રેરણા આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અંદાજે 2000 જેટલા હિન્દુ ભક્તોને તિલક લગાવી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, જેના કારણે શહેરમાં ધાર્મિક અને ઉત્સવમય વાતાવરણ સર્જાયું હતું.



