29.3 C
Gujarat
Thursday, August 6, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસા શહેરમાં ઈન્કમ ટેક્સના દરોડા : વેપારીઓ, બિલ્ડરો અને તબીબોમાં...

અરવલ્લી : મોડાસા શહેરમાં ઈન્કમ ટેક્સના દરોડા : વેપારીઓ, બિલ્ડરો અને તબીબોમાં હડકંપ, એકસાથે 50 થી વધુ ગાડીનો કાફલો!!

0
126

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આજે સવારે ઈન્કમ ટેક્સ વિભાગે અચાનક ધામા પાડી સમગ્ર વેપારી વર્ગ, બિલ્ડર લોબી અને તબીબોમાં હડકંપ મચાવ્યો છે. સવારે લગભગ 5 વાગ્યાથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ઈન્કમ ટેક્સની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

માહિતી મુજબ, 50થી વધુ ગાડીઓના કાફલા સાથે ITની ટીમ મોડાસા પહોંચી હતી અને એક સાથે અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. ખાસ કરીને નામી વેપારીઓ, પ્રખ્યાત તબીબો અને જાણીતા બિલ્ડરોના નિવાસસ્થાનો તથા ઓફિસોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક અંદાજ મુજબ, કરચોરી, બેનામી વ્યવહારો અને અસ્પષ્ટ હિસાબોની મોટી સંખ્યામાં વિગતો બહાર આવવાની શક્યતા છે.

ઈન્કમ ટેક્સ વિભાગે હજુ સુધી સત્તાવાર માહિતી જાહેર કરી નથી, પરંતુ સૂત્રો જણાવે છે કે લાંબા સમયથી કેટલીક હાઈ-પ્રોફાઇલ વ્યક્તિઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી હતી. કરચોરી અને બેનામી વ્યવહારોને લઈને મળેલા પ્રાથમિક પુરાવાના આધારે જ આ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

મોડાસા જેવા શહેરમાં આટલી મોટી સંખ્યામાં દરોડા પડ્યા બાદ લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. સામાન્ય નાગરિકોમાં ઉત્સુકતા છે કે આ કાર્યવાહીમાંથી કેટલો મોટો કૌભાંડ બહાર આવશે. બીજી તરફ વેપારી સમાજમાં આ ઘટનાથી ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે.

આગામી દિવસોમાં ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવતી તપાસમાંથી ચોક્કસ આંકડા બહાર આવશે અને કોના નામ સામે ગંભીર ખુલાસા થાય છે તે જોવું મહત્વનું બનશે. હાલ તો મોડાસા શહેરમાં ઈન્કમ ટેક્સની કાર્યવાહી જ ચર્ચાનો કેન્દ્ર બની ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!