ખુદ વડાપ્રધાન દ્વારા જાહેરાત કર્યાના આઠ વર્ષ બાદ પણ કામગીરી શરુ થઈ નથી : અરૂણ પટેલ, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
વર્ષ 2017 માં વડાપ્રધાને મોડાસાની ધરતી પર જાહેર મંચ પરથી નડિયાદ-કપડવંજ-બાયડ-મોડાસા માર્ગને નેશનલ હાઇવેમાં રૂપાંતરિત કરી ફોરલેન બનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ જાહેરાતને આજે ૮ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં જમીન પર કોઈ નક્કર કામગીરી જોવા મળતી નથી. આ બાબતે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નિતિન ગડકરીને લેખિત રજૂઆત કરી છે.
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલે જણાવ્યું કે, સરકાર એક તરફ વિકાસ અને ‘ગતિશક્તિ’ના મોટા દાવા કરે છે, પરંતુ ખુદ વડાપ્રધાન દ્વારા જાહેરાત કર્યાં બાદ પણ પ્રોજેક્ટ લટકતો રહેવો ગંભીર બેદરકારી દર્શાવે છે. આ માર્ગ સાંકડો હોવાને કારણે ભારે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે અને રસ્તાની કામગીરી શરૂ કરવાને બદલે દિવસ દરમિયાન ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવો પડે છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે સાંકડા માર્ગ અને વધતા ટ્રાફિકને કારણે નડિયાદ-મોડાસા માર્ગ પર અકસ્માત વધી રહ્યા છે અને અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. સરકાર માટે આ મુદ્દો માત્ર વિકાસનો નહીં પરંતુ લોકોના જીવન-મરણનો પ્રશ્ન છે.
અરવલ્લી જિલ્લાના લોકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હવે જનતા લોકશાહી ઢબે જવાબ માંગે છે. કોંગ્રેસે માંગ કરી છે કે પ્રોજેક્ટની હાલની સ્થિતિ જાહેર કરી તાત્કાલિક ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શરૂ કરવામાં આવે. અરૂણભાઇ પટેલે ચેતવણી આપી છે કે પ્રોજેક્ટ અંગે સ્પષ્ટતા નહીં થાય અને ટૂંક સમયમાં કામ શરૂ નહીં કરવામાં આવે, તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જનહિતમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને વહીવટી તંત્રની રહેશે. આ બાબતે અરવલ્લી જિલ્લા કલેક્ટર અને રાજ્યના મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હોવાનું કોંગ્રેસે ઉમેર્યું હતું.


