અરવલ્લી જિલ્લાના DILR કચેરીમાં ફરજ બજાવતા અનેક લાયસન્સી સર્વેયરો માટે હાલત ‘આસમાને થી પડ્યા ને ખજૂરમાં અટવાયા’ જેવી બની ગઈ છે. મહિનાઓથી પગાર બાકી હોવા છતાં તેઓ જમીન માપણી, રેકોર્ડ સુધારણા અને નાગરિકોને સેવા આપવામાં વ્યસ્ત છે. મહેનતનો પરસેવો સૂકાઈ જાય છે, પણ વેતનની રકમ ખાતામાં નથી પહોંચતી—આથી સર્વેયરોની આર્થિક પરિસ્થિતિ કંગાળ બની રહી છે.
દિવાળી પહેલાં અને તાજેતરમાં મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા છતાં પરિણામ ‘ઢાકના ત્રણ પાત’ જેવું જ રહ્યું. રજૂઆતો, ચર્ચાઓ અને વચનો પછી પણ કોઈ ચોક્કસ જવાબ મળતો નથી. અધિકારીઓ મૌનવ્રત ધારણ કરી બેઠા હોય તેમ એકપણ સ્પષ્ટતા સામે આવી નથી. સવાલ એ છે કે જ્યારે કચેરીના અધિકારીઓને પગાર સમયસર મળે છે, ત્યારે લાયસન્સી સર્વેયરો માટે જ આ વિલંબ કેમ?
પરિસ્થિતિ હવે એવી છે કે જવાબદારો પોતાની જવાબદારી કેમ સ્વીકારતા નથી!! અહીં ઘરમાં ચુલ્હો બળે કે નહિ તેની ચિંતા વચ્ચે ફરજ બજાવવી એ પણ એક મર્યાદા સુધી જ શક્ય છે. જો આ નિષ્ઠુર મૌન યથાવત રહેશે, તો આજે ઉઠેલા સવાલો કાલે આંદોલનની ચીંગારી બની શકે છે.



