- અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, ડીઆરડીએ ડાયરેક્ટર રાજેશ કુચારા સહિતના અધિકારીઓએ મુલાકાત કરી
- મહિલાઓની મહેનત રંગ લાવી, હવે આગામી દિવસોમાં મોટાપાયે સ્ટ્રોબેરીના વાવેતરની તૈયારી
- ઓર્ગેનિક સ્ટ્રોબેરીની મિઠાશ વધુ હોવાથી ગામમાં જ વેચાણ અને વધુ માંગ
- પ્રાયોગિક ધોરણે કરેલી સ્ટ્રોબેરીની ખેતી સફળ થતાં, મહેનત રંગ લાવી
અરવલ્લી જિલ્લામાં ખેડૂતો અવનવી ખેતી તરફ વળી ગયા છે. નાના હોય કે મોટા સીમાંત હોય કે મધ્યમ તમામ ખેડૂતો કોઈક ન કોઈક રીતે કંઈક નવું કરવાની દિશામાં આગળ ધપી રહ્યા છે. માલપુર તાલુકાની મહિલાઓએ ઠંડા અને ઊંચાઈવાળા વિસ્તારમાં થતી એવી સ્ટ્રોબેરીની ખેતમાં કાઠું કાઢ્યું છે. કાટકુઆ ગામે રહેતા કાળીબેન સરદારભાઈ મકવાણા,કાળીબેન સરદારભાઈ મકવાણા વગેરે મહિલાઓએ ખેતીના ક્ષેત્રમાં એક અનોખો પ્રયોગ કરીને નવી દિશા બતાવી છે. શ્રી રાધેશ્વર સહાય જૂથની 10 થી 12 બહેનો સદગુરુ ફાઉન્ડેશનના માર્ગદર્શન અને તાલીમ હેઠળ ઓર્ગેનિક સ્ટ્રોબેરીની ખેતી કરીને માત્ર પાક નહીં, પરંતુ આત્મનિર્ભરતાનું ‘લાલ સોનુ’ ઉગાડી રહી છે.

આણંદથી લાવવામાં આવેલા 500 સ્ટ્રોબેરીના રોપાથી એક વીઘામાં શરૂ કરાયેલો આ પ્રયોગ આજે સફળતાની મીઠી સુગંધ ફેલાવી રહ્યો છે. ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડવામાં આવેલી સ્ટ્રોબેરીનો સ્વાદ અને ગુણવત્તા સારી હોવાને કારણે ગ્રાહકો સીધા ખેતર સુધી પહોંચી જાય છે. બજારના માધ્યમ વિના ખેતરેથી જ વેચાણ થતું હોવાથી મહિલાઓને યોગ્ય ભાવ મળે છે. હાલમાં સ્ટ્રોબેરી ₹200 પ્રતિ કિલોના દરે વેચાઈ રહી છે અને આ વર્ષે અંદાજે ₹10 હજારની આવક મળી છે.
https://x.com/i/status/2022644020477132816
સ્ટ્રોબેરી સાથે સાથે મહિલાઓએ કુલ 4 હેક્ટર જમીનમાં રીંગણ, ભીંડા, મરચાં, પીકાડોર મરચાં, લસણ અને અન્ય શાકભાજીનું પણ ઓર્ગેનિક વાવેતર કર્યું છે. રીંગણ ₹60, પીકાડોર મરચું ₹35 અને દુધી ₹30 પ્રતિ કિલોના ભાવે વેચાતાં હોવાથી રોજિંદી આવકનું સશક્ત સાધન ઉભું થયું છે. અગાઉ ઘઉંના પાકમાં મણદીઠ ₹450 જેટલો ભાવ મળતો, જ્યારે હવે શાકભાજી કિલોદીઠ વેચાતા હોવાથી આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.
ખાસ વાત એ છે કે, આ બહેનો જાતે જ ખેતી કરીને આગળ વધી રહી છે, જેમાં તેમના દીકરાઓ પણ સાથ આપે છે, જેથી કામનું ભારણ ઓછું થાય. અહીંની મહિલાઓ પશુપાલન, નિંદામણ અને ખેતમજૂરી જેવી કામગીરી સાથે તેઓ પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બનાવી રહી છે. સંગઠિત રીતે કામ કરવાથી ખર્ચ ઘટ્યો છે અને નફો વધ્યો છે. જિલ્લા કક્ષાએથી મળતું માર્ગદર્શન અને સદગુરુ ફાઉન્ડેશનની તાલીમ તેમના માટે માર્ગદર્શક બની છે.
હાલ એક વીઘામાં કરાયેલો સ્ટ્રોબેરીનો પ્રયોગ સફળ રહ્યો છે, તેથી હવે આવતા વર્ષે ચારેય હેક્ટરમાં સ્ટ્રોબેરીનું વાવેતર કરવાની મહિલાઓની ઇચ્છા છે. આ પ્રયાસ માત્ર આવક વધારવાનો ઉપાય નથી, પરંતુ ગ્રામ્ય મહિલાઓ માટે આત્મવિશ્વાસ અને સ્વરોજગારનું પ્રતિક બની રહ્યો છે. કાટકુઆ ગામની બહેનોની આ પહેલ એ સાબિત કરે છે કે યોગ્ય માર્ગદર્શન, સંગઠિત શક્તિ અને નવી વિચારસરણી હોય તો નાના ગામમાંથી પણ મોટી સફળતા મેળવી શકાય છે. ઓર્ગેનિક ખેતી, સીધું વેચાણ અને વિવિધ પાકના સંકલનથી વધતી આવક માત્ર તેમના પરિવારને સમૃદ્ધ બનાવી રહી નથી, પરંતુ અરવલ્લી જિલ્લામાં મહિલાઓ માટે આત્મનિર્ભરતાનું જીવંત પ્રેરણાસ્ત્રોત બની રહી છે. હવે ચાર હેક્ટરમાં સ્ટ્રોબેરી વાવેતરનું તેમનું સપનું સાકાર થશે ત્યારે આ ખેતી ક્ષેત્ર નવી ક્રાંતિ વધુ વિસ્તરે તેવી આશા છે.



