અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવાના ભાગરૂપે તડીપાર કરાયેલા ઇસમો સામે પોલીસ દ્વારા સતત સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત અરવલ્લી S.O.G. પોલીસને મોટી સફળતા મળી છે. બે વર્ષ માટે અનેક જિલ્લાઓમાંથી તડીપાર કરાયેલા ઇસમને તેના જ ગામમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં તડીપાર થયેલા ઇસમોની ચકાસણી કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સુચનાઓ આપવામાં આવી હતી. આ સુચનાઓના અનુસંધાનમાં SOG PI એચ.પી. ગરાસીય ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના ભવાનપુર ગામની સીમમાં ચોક્કસ બાતમી મળી હતી કે કોર્ટના હુકમ છતાં એક તડીપાર કરાયેલ ઇસમ પોતાના ઘરે હાજર છે.
તપાસ કરતા જાણવા મળ્યું કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, મોડાસાની કોર્ટના હુકમ ક્રમાંક MAG/Hadpari Case/SR/04/2025 તા. 18-11-2025 મુજબ અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, મહીસાગર, ગાંધીનગર અને ખેડા જિલ્લાઓમાંથી બે વર્ષ માટે તડીપાર કરાયેલા રમેશભાઈ થાવરાભાઈ સડાત (ઉ.વ. 45, રહે. ભવાનપુર તા. શામળાજી) હુકમનો ભંગ કરી પોતાના ઘરે હાજર હતા. પોલીસે તરત જ દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો અને શામળાજી પોલીસ સ્ટેશનમાં જી.પી.એક્ટ કલમ 142 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



