મોડાસા, અરવલ્લી: રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા નક્કી કરાયેલા નિયત નમૂના મુજબનું ખરીદી-વેચાણનું રજીસ્ટર ન નિભાવતા ઓટો કન્સલ્ટના સંચાલક વિરૂદ્ધ એસ.ઓ.જી. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના ભંગ બદલ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જાહેરનામાનો કડક અમલ થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને અરવલ્લી SOG પી.આઈ. એચ.પી. ગરાસીયાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમ દ્વારા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું હતું. પેટ્રોલિંગ દરમિયાન મખદુમ ચોકડી નજીક અલ મક્કા કોમ્પ્લેક્ષ બાજુ આવેલ ગુડ લક ઓટો કન્સલ્ટમાં નવી-જૂની ટુ-વ્હીલર ખરીદી-વેચાણ અંગેના રજીસ્ટરની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન સંચાલક દ્વારા રાજ્ય સરકારના ગૃહ વિભાગે નક્કી કરેલ નિયત ફોર્મેટ મુજબનું રજીસ્ટર ન રાખવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. જેથી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ નોંધાયો હતો.
આ બનાવ અંગે ઓટો કન્સલ્ટના સંચાલક મોહમદ નોમાન સાજીદભાઈ ચૌહાણ (ઉ.વ. ૨૮), રહે. કસ્બા ચૌહાણવાડા, મોડાસા વિરૂદ્ધ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



