અરવલ્લી જિલ્લા ન્યાય તંત્ર અને મહિલા-બાળ વિકાસ વિભાગનો સંયુક્ત પ્રયાસ, ડોમેસ્ટિક વાયોલન્સ અધિનિયમ સહિત વિવિધ કાયદાઓ અંગે માર્ગદર્શન
મોડાસા, અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં માનનીય જિલ્લા અને સેશન્સ જજ તથા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસિસ ઓથોરિટી અને મહિલા તથા બાળ વિકાસ વિભાગ, મોડાસાના સંયુક્ત પ્રયત્નોથી મોડાસા તાલુકાના ખુમાપુર ગામે કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામજનોનો ઉત્સાહભેર પ્રતિસાદ જોવા મળ્યો હતો.
શિબિર દરમિયાન મહિલા અને બાળ વિકાસ અધિકારી હસીના મન્સૂરીબેન, પ્રોટેક્શન ઓફિસર, જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટીના પ્રતિનિધિઓ તેમજ કાનૂની માર્ગદર્શન કેન્દ્ર અરવલ્લીના એડવોકેટ હિતેશ નિનામા અને વૈશાલીબેન દ્વારા ડોમેસ્ટિક વાયોલન્સ અધિનિયમ સહિત મહિલાઓ અને નાગરિકોના હક્કોને સ્પર્શતા વિવિધ કાયદાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ગામની મહિલાઓ, બહેનો, ભાઈઓ તથા વડીલો મોટી સંખ્યામાં હાજર રહી કાનૂની હક્કો, સુરક્ષા અને સહાય મેળવવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. ઉપસ્થિત લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કરી યોગ્ય કાનૂની સલાહ મેળવી હતી.
આ શિબિર દ્વારા ગામજનોમાં કાનૂની હક્કો અને સુરક્ષા અંગે મહત્વપૂર્ણ જાગૃતિ ફેલાઈ હતી અને સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો.



