રાજ્ય પરીક્ષા બોર્ડના સેક્રેટરી સમીરભાઈ એમ. પટેલ મુખ્ય અતિથિ રહ્યા, નવા વિદ્યાર્થીઓનું તિલક અને પુષ્પગુચ્છથી સ્વાગત
મોડાસા:તત્વ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સીલેન્સ, મોડાસા ખાતે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ નિમિત્તે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ-2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરના રૂટ અધિકારી અને સેક્રેટરી સમીરભાઈ એમ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વિશેષ અતિથિ તરીકે માલપુર મોડેલ સ્કૂલના આચાર્ય હરીશભાઈ પટેલ અને મેઢાસણના સીઆરસી ચંદ્રેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
નવા વિદ્યાર્થીઓનું તિલક, પુષ્પગુચ્છ અને શુભેચ્છાઓ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ, શિસ્ત, સંસ્કાર અને સર્વાંગી વિકાસનું મહત્વ સમજાવી જીવનમાં સતત જ્ઞાનપ્રાપ્તિ અને શ્રેષ્ઠ સિદ્ધિઓ હાંસલ કરવા પ્રેરણા આપી હતી.
સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર જયદતસિંહ પુવાર અને આચાર્ય ડૉ. ઉષા રાઠોડે સંસ્થાની શૈક્ષણિક વિશેષતાઓ, રહેણાંક સુવિધાઓ, વિવિધ પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અમલમાં મુકાતી યોજનાઓ અંગે માહિતી આપી હતી. સાથે જ વાલીઓ અને વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમ દરમિયાન ગત વર્ષના વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ બદલ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સીઈટી-2026માં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને જ્ઞાન શક્તિ સ્કૂલમાં પ્રવેશ મેળવનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓએ ગીત-સંગીત, વક્તૃત્વ અને પ્રેરણાત્મક નાટક જેવી સાંસ્કૃતિક રજૂઆતો કરી હતી, જેને ઉપસ્થિતોએ વધાવી લીધી હતી.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, શિક્ષકો અને સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંતે કચેરી અધિક્ષક ભરતભાઈ દરજીએ તમામ મહાનુભાવો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના સમાપન બાદ મહાનુભાવોના હસ્તે કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

