અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આવી જ એક દુર્ઘટનામાં મેઘરજ તાલુકાના પહાડીયા ગામ નજીક બે બાઈકો સામસામે અથડાતા બે યુવકોના કરુણ મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મેઘરજ તાલુકાના પહાડીયા નજીક બે બાઈક વચ્ચે સામસામે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને બાઈકચાલકોને ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી, પરંતુ સારવાર મળે તે પહેલાં જ બંને યુવકોના મોત નિપજ્યા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ઈસરી આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ મુકેશભાઈ જીવરાજભાઈ તબિયાડ (રહે. ઝરડા) અને વિનોદભાઈ વિશ્રામભાઈ મેનાત (રહે. નવાઘરા) તરીકે થઈ છે. આ દુર્ઘટનાના બનાવને પગલે બંને પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ ઈસરી પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણોને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.



