અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર નજીક સાબરમતી CNG પંપ પાછળ આવેલા જંગલ વિસ્તારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટના બાદ સુરક્ષાના ભાગરૂપે નજીક આવેલો CNG પંપ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે સમગ્ર ઘટનાક્રમ દરમિયાન CNG પંપ પર ફાયર સેફ્ટીને લઈને ચોંકાવનારી બેદરકારી પણ સામે આવી છે.
મળતી માહિતી મુજબ, મોડાસા નજીક સાબરમતી CNG પંપ પાછળના જંગલ વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ ઝડપથી ફેલાવાની ભીતિ વચ્ચે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ત્રણ વોટર બ્રાઉઝર સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા.
આ દરમિયાન એક ચોંકાવનારી બાબત સામે આવી છે. CNG પંપ પર ફાયર સેફ્ટી માટે રાખવામાં આવેલી ફાયર એક્સટિંગ્વિશર બોટલોમાંથી એક બોટલ એક્સપાયર થયેલી જોવા મળી હતી. આગ જેવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે ફાયર સેફ્ટી સાધનો જ સમયમર્યાદા બહાર હોય તે મોટી બેદરકારી ગણાઈ રહી છે.
સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે, જો આગ CNG પંપ સુધી પહોંચી હોત તો આવી સ્થિતિમાં એક્સપાયર થયેલી ફાયર બોટલ કોઈ કામની સાબિત થાત? જોખમી વિસ્તારોમાં આવેલાં CNG અને પેટ્રોલ પંપ પર ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન થવું જોઈએ, ત્યારે અહીં એવી બેદરકારી સામે આવતાં સુરક્ષા વ્યવસ્થાઓ પર પ્રશ્નો ઊભા થયા છે.



