અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ ફરી એકવાર પ્રશ્નોના ઘેરામાં આવ્યું છે. વર્ષ 2024-25 દરમિયાન રમત-ગમતના મેદાનો બનાવવા માટે ડીએમએફ (District Mineral Foundation)માંથી ફાળવવામાં આવેલી ગ્રાન્ટના ઉપયોગને લઈને ગંભીર ચર્ચાઓ શરૂ થઈ છે. મળતી માહિતી મુજબ અનેક શાળાઓ માટે મેદાન બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર થઈ હતી, પરંતુ હકીકતમાં કેટલા મેદાનો બન્યા અને કેટલા માત્ર કાગળ પર જ રહી ગયા તે અંગે સવાલો ઊભા થયા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેટલાક સ્થળોએ મેદાન બનાવવા માટે ખર્ચ દર્શાવવામાં આવ્યો હોવા છતાં જમીન પર તેની અસર દેખાતી નથી. ક્યાંક કામ અધૂરું છે તો ક્યાંક મેદાન બનાવાયું હોવાના દાવા વચ્ચે હકીકત અલગ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સમગ્ર મામલો સામે આવતા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા હતા, તેવી સુત્રો તરફથી માહિતી મળી હતી. પરંતુ તપાસનું શું થયું અને જવાબદારો સામે કોઈ કાર્યવાહી થઈ કે નહીં તે અંગે આજદિન સુધી સ્પષ્ટતા સામે આવી નથી.
કચેરીઓમાં એવી પણ ચર્ચા છે કે તપાસનો રિપોર્ટ તૈયાર થયા બાદ તેને આગળ વધારવા બદલે ફાઈલોમાં જ દબાવી દેવામાં આવ્યો છે. જેના કારણે હવે પ્રશ્ન ઊભો થયો છે કે, જો ગેરરીતિ ન થઈ હોય તો તપાસ રિપોર્ટ જાહેર કેમ કરવામાં આવતો નથી?
સ્થાનિક લોકો અને શિક્ષણ જગત સાથે જોડાયેલા કેટલાક લોકોનું કહેવું છે કે, રમત-ગમતના મેદાનો માટે ફાળવાયેલી ગ્રાન્ટનો હેતુ વિદ્યાર્થીઓને સુવિધા આપવાનો હતો, પરંતુ જો મેદાન જ ન બને તો આ રકમ ક્યાં ગઈ તે તપાસનો વિષય બને છે. ખાસ કરીને ગામડાની શાળાઓમાં હજુ પણ બાળકો ખુલ્લી જગ્યાના અભાવે રમત-ગમતથી વંચિત રહે છે, ત્યારે ગ્રાન્ટના ઉપયોગ અંગે વધુ સવાલો ઊભા થાય છે. હાલ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ મળતી માહિતી અને ચાલી રહેલી ચર્ચાઓને કારણે ડીએમએફ ગ્રાન્ટના ખર્ચની પારદર્શકતા અને જવાબદારી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
હવે જોવાનું રહ્યું કે તપાસનો રિપોર્ટ જાહેર કરવામાં આવશે કે નહીં અને જો ગેરરીતિ થઈ હોય તો જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થાય છે કે પછી આ મુદ્દો પણ ફાઈલોના ઢગલામાં દબાઈ જશે.



