મોડાસા તાલુકાના સરડોઈ ગામમાં વર્ષોથી ચાલી આવતી મહત્વપૂર્ણ માંગણીને અંતે પૂર્ણતા મળતાં નવા પશુ દવાખાનાના મકાનના નિર્માણ કાર્યનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ગામ તથા આસપાસના વિસ્તારોના પશુપાલકો માટે આ પ્રોજેક્ટ અત્યંત લાભદાયક સાબિત થવાનો છે.
માહિતી મુજબ છેલ્લા ત્રણથી ચાર વર્ષથી વિવિધ કારણોસર મંજૂર થયેલ આ પશુ દવાખાનાનું કામ અટવાઈ ગયું હતું. જોકે ગામના પૂર્વ સરપંચ તથા તત્વ કોલેજના ડાયરેક્ટર જયદતસિંહ પુવાર દ્વારા સતત કરવામાં આવેલા પ્રયત્નો અને રજૂઆતોના પરિણામે આ પ્રોજેક્ટને ગતિ મળી અને અંતે મકાનના નિર્માણ કાર્યને લીલી ઝંડી મળી છે.
સરડોઈ તથા આસપાસના ગામોમાં અનેક લોકો દૂધ ઉત્પાદન દ્વારા જીવન નિર્વાહ કરતા હોય, ત્યારે પશુઓના આરોગ્ય માટે આધુનિક સુવિધાઓ ધરાવતું દવાખાનું અત્યંત આવશ્યક હતું. નવા દવાખાનાથી પશુઓને સમયસર અને યોગ્ય સારવાર ઉપલબ્ધ બનશે, જેના કારણે દૂધ ઉત્પાદન પર પણ સકારાત્મક અસર થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગામના પૂર્વ સરપંચ જયદતસિંહ પુવારના હસ્તે ખાતમુહૂર્ત કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી સરપંચ અમૃતભાઈ વણકર, પશુ દવાખાનાના ડોક્ટર ચેતનભાઈ પટેલ, દવાખાનાનો સ્ટાફ, કોન્ટ્રાક્ટર તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા. પ્રસંગે જયદતસિંહ પુવારે કોન્ટ્રાક્ટર તથા સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરીને દવાખાનાનું નિર્માણ કાર્ય ગુણવત્તાપૂર્વક અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે ભાર મુક્યો હતો. તેમજ આવનારા સમયમાં દવાખાનાની કામગીરી સુચારુ રીતે ચાલે તે માટે જરૂરી તમામ સહકાર આપવાની ખાતરી પણ વ્યક્ત કરી હતી.
ગામજનોમાં આ પ્રોજેક્ટને લઈને ખુશીની લાગણી વ્યાપી છે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નવા દવાખાનાથી સરડોઈ તથા આસપાસના વિસ્તારોના પશુપાલકોને સીધો લાભ મળશે.



