7.87 લાખનો દારૂ જપ્ત, 10 લાખની કાર સાથે બે આરોપી ઝડપાયા – ખોટી નંબર પ્લેટ લગાવી ગાંધીનગર પહોંચાડવાનો હતો માલ
મેઘરજ (અરવલ્લી):
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજસ્થાનમાંથી અરવલ્લી જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતી ગેંગનો સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ગાંધીનગર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પોલીસે બે આરોપીઓને ઝડપી લઈ કુલ રૂ.17,97,334નો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ SMCની ટીમ મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મેઘરજ તાલુકાના કાલીયાકુવા બોર્ડર તરફથી દારૂ ભરેલી કાર પસાર થવાની બાતમી મળી હતી. જેના આધારે ટીમે બેલ્યો ગામની સીમમાં વોચ ગોઠવી હતી. સાંજે આશરે 6 વાગ્યે શંકાસ્પદ ક્રેટા કાર (GJ-01-RL-8936)ને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન કારની પાછળની સીટ અને ડેકીમાં કાળા કપડાથી ઢાંકીને રાખેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. કુલ 1315 બોટલ અને ટીન મળી રૂ.7,87,334નો દારૂ કબજે કરવામાં આવ્યો હતો. સાથે જ દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી રૂ.10 લાખની કાર અને બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ.17,97,334નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીઓ વિશાલ નાથુજી ધુલા (ઉ.39) અને જીવાલાલ સુખલાલ હુકસી (ઉ.32), રહે. કાકરાદરા, તા. ડુંગરપુર (રાજસ્થાન) તરીકે ઓળખાયા છે. આરોપીઓએ પોતાની કારનો મૂળ નંબર (GJ-13-AH-5607) છુપાવવા માટે ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનું પણ સામે આવ્યું છે.
પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું કે તેઓ રાજસ્થાનના નીરંજન નામના વ્યક્તિના સૂચન પર દારૂની હેરાફેરી કરતા હતા અને દરેક ટ્રિપ માટે રૂ.10,000 મળતા હતા. આ જથ્થો ગાંધીનગર જિલ્લાના સાંતેજ વિસ્તારમાં એક શખ્સને પહોંચાડવાનો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બન્ને આરોપીઓ અગાઉ પણ દારૂની હેરાફેરીના ગુનાઓમાં સંડોવાયેલા છે. આ કેસમાં દારૂ સપ્લાયર સહિત અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં SMCની સતત કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ આવી રહ્યું છે, જ્યારે સ્થાનિક પોલીસની કામગીરી અંગે પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. ખુલ્લેઆમ દારૂ વેચાણના મુદ્દે સ્થાનિક પોલીસ શાંત હોવાનું કહેવાતું હોવા છતાં SMCની કાર્યવાહીથી વહીવટદારોમાં હલચલ મચી છે. મામલે SMC દ્વારા પ્રોહિબિશન એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



