આમોદરા ગામે વાલ્મિકી સમાજના લોકોની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમવિધિ કરવામાં આવી
સાઠંબા તાલુકાના આમોદરા ગામે કેટલાક અસામાજિક તત્વો દ્વારા એક દિવ્યાંગ વાલ્મિકી સમાજના યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવતાં યુવાનને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મરનાર જગદિશભાઈની અંતિમવિધિ આમોદરા ખાતે કરવામાં આવી હતી
સાઠંબા તાલુકાના આમોદરા ગામે વાલ્મિકી સમાજના એક દિવ્યાંગ વ્યક્તિ પર અસામાજિક તત્વો દ્વારા 24 જુલાઈ ના રોજ જીવલેણ હુમલો કરવામાં આવતાં અસામાજિક તત્વોના ડરથી આ વ્યક્તિએ ફરિયાદ કરી ન હતી..આમોદરા ગામના દિવ્યાંગ જગદીશભાઈ ને એટલી હદે માર મારવામાં આવ્યો હતો કે તેમને હાથે ફ્રેક્ચર પણ થઈ ગયું હતું. તેમની પાસે વધુ સારવાર માટે નાણાંની વ્યવસ્થા ના હોવાથી વ્યવસ્થિત સારવાર કરાવી શક્યા નહીં.. ત્યારબાદ વધુ તબિયત બગડતાં અને હાથે ફ્રેક્ચરમાં ઇન્ફેક્શન અને પરૂ થઈ જતાં આ દિવ્યાંગ વાલ્મિકી સમાજના જગદીશભાઈને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યું હતું.
મોતને ભેટનાર દિવ્યાંગ જગદીશભાઈ બાયડ-ચોઈલા રોડ ઉપર શૌચાલયમાં સાફ-સફાઈ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા.
વાલ્મિકી સમાજના આગેવાનો ઘટનાની જાણ થતાં જ બાયડ પોલીસ મથકે દોડી આવ્યા હતા તેમણે મૃતકને ન્યાય અપાવવા અને હુમલો કરનાર તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ તંત્ર દ્વારા સત્વરે ગુનો નોધી આરોપીઓને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગામી સમયમાં પોલીસ તપાસના આધારે વધુ ખુલાસા થવાની સંભાવના છે..






