વિકાસના દાવાઓ વચ્ચે શામળાજી નજીકનું બોરનાળા ગામ આજે પણ અનેક મૂળભૂત પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ મોડાસા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું.ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં મોબાઈલ ટાવર, દવાખાનું, સ્મશાનગૃહ અને રસ્તા સહિતની જરૂરી સુવિધાઓનો અભાવ છે. આ સમસ્યાઓ અંગે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં યોગ્ય નિરાકરણ આવ્યું નથી અને અધિકારીઓ દ્વારા ગામની મુલાકાત લેવામાં પણ રસ દાખવવામાં આવતો નથી તેવા આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે.
ગ્રામજનોએ જણાવ્યું કે એક વર્ષ અગાઉ પણ આ જ સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી, છતાં સ્થિતિમાં ખાસ સુધારો થયો નથી. જેના પગલે ફરી એકવાર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ગામની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી છે.ગ્રામજનોએ વિકાસના દાવા કરતા નેતાઓ અને અધિકારીઓને બોરનાળા ગામની સ્થળ મુલાકાત લઈ વાસ્તવિક પરિસ્થિતિ નિહાળવા પણ માંગ કરી છે.હવે જોવાનું રહ્યું કે ગ્રામજનોની રજૂઆત બાદ તંત્ર દ્વારા બોરનાળા ગામની સમસ્યાઓના નિરાકરણ માટે ક્યારે અને શું કાર્યવાહી કરવામાં આવે છે.






