30.6 C
Gujarat
Tuesday, August 18, 2026
Home HeadLines પંચાયતોમાં જન્મના દાખલાની ઓનલાઈન અરજીઓ મહિનાઓથી પેન્ડિંગ, અરવલ્લીમાં સરકારી પોર્ટલ પર કામગીરી...

પંચાયતોમાં જન્મના દાખલાની ઓનલાઈન અરજીઓ મહિનાઓથી પેન્ડિંગ, અરવલ્લીમાં સરકારી પોર્ટલ પર કામગીરી સામે સવાલો

0
268

અરજદારોએ કચેરીઓના ધક્કા ખાવાની નોબત, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસની માંગ

મોડાસા, અરવલ્લી: રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સરકારી સેવાઓને ઓનલાઈન બનાવી અરજદારોને કચેરીઓના ધક્કામાંથી મુક્તિ આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે અરવલ્લી જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં જન્મના દાખલા માટે ઓનલાઈન કરાયેલી અરજીઓનો સમયસર નિકાલ ન થતો હોવાની ફરિયાદો સામે આવી છે. પરિણામે અરજદારોને ઓનલાઈન અરજી કર્યા બાદ પણ મહિનાઓ સુધી રાહ જોવી પડી રહી છે અને કચેરીઓના ધક્કા ખાવાની નોબત આવી રહી છે.

મળતી માહિતી મુજબ, એક અરજદારે નવા ક્યુઆર કોડ સાથેનો જન્મનો દાખલો મેળવવા માટે સરકારના સત્તાવાર પોર્ટલ પર 6 જૂન, 2026ના રોજ ઓનલાઈન અરજી કરી હતી. જોકે લાંબો સમય વીતી જવા છતાં અરજીનો નિકાલ કરવામાં આવ્યો નથી અને નવો જન્મ દાખલો પણ ઈશ્યુ કરવામાં આવ્યો નથી.

ઓનલાઈન વ્યવસ્થાનો મુખ્ય હેતુ અરજદારોને સરળતાથી અને સમયમર્યાદામાં સરકારી સેવા ઉપલબ્ધ કરાવવાનો છે. પરંતુ અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલીક અરજીઓ લાંબા સમય સુધી પેન્ડિંગ રહેતી હોવાના આક્ષેપો વચ્ચે પોર્ટલની કામગીરી અને સંબંધિત કર્મચારીઓની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

અરવલ્લી જિલ્લામાં કેટલી અરજીઓ પેન્ડિંગ?
અરજદારો દ્વારા સરકારના CRS પોર્ટલ (crsorgi.gov.in) પર અરવલ્લી જિલ્લામાં અને ખાસ કરીને પંચાયતોમાં જન્મના દાખલા માટે હાલમાં કેટલી અરજીઓ પેન્ડિંગ છે તેની વિગતો જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે. ખાસ કરીને લાંબા સમયથી પેન્ડિંગ રહેલી અરજીઓનો નિકાલ કેમ થયો નથી અને તેની જવાબદારી કોની છે તે અંગે તપાસ જરૂરી બની છે.

અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જન્મ નોંધણીની અથવા તો નવીન દાખલા માટે ઓનલાઈન અરજીઓની સ્થિતિની તપાસ કરવામાં આવે અને લાંબા સમયથી પેન્ડિંગ અરજીઓ કેમ પેન્ડિંગ છે, અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કેમ થતો નથી તેમજ સંબંધિત કર્મચારીઓ ઓનલાઈન પોર્ટલ પર અરજીઓ અંગે યોગ્ય કામગીરી કેમ કરતા નથી, તેનો ખુલાસો માંગવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સરકારી સેવાઓ ઓનલાઈન કરીને લોકોને સુવિધા આપવાનો હેતુ ત્યારે જ સફળ થઈ શકે જ્યારે અરજીઓનો સમયસર નિકાલ થાય. અન્યથા ઓનલાઈન વ્યવસ્થા હોવા છતાં અરજદારોને જૂની જેમ કચેરીઓના ધક્કા ખાવા પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!