અરવલ્લી જિલ્લામાં તા. 18 ઓગસ્ટ 2026ના રોજ ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા, અમદાવાદ રેડ ક્રોસ સોસાયટી જિલ્લા શાખા તથા અરવલ્લી રેડ ક્રોસ સોસાયટી જિલ્લા બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા અને સિકલ સેલ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
થેલેસેમિયા વારસાગત રક્તની ખામીથી થતો રોગ હોવાથી તેને અટકાવવા જાગૃતિ અને લગ્ન પૂર્વે થેલેસેમિયાની તપાસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા, અમદાવાદના ચેરમેન અજયભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાતની કોલેજોમાં થેલેસેમિયા અંગે જાગૃતિ અને સ્ક્રીનિંગ માટે કામગીરી કરવામાં આવી રહી છે.
કેમ્પ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓના થેલેસેમિયા અને સિકલ સેલ સ્ક્રીનિંગ માટે રક્તના નમૂના લેવામાં આવ્યા હતા. રેડ ક્રોસ અમદાવાદથી આવેલી ટીમે વિદ્યાર્થીઓને થેલેસેમિયા અંગે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. કેમ્પમાં કુલ 730 વિદ્યાર્થીઓના રક્તના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
કેમ્પને સફળ બનાવવા કોલેજના આચાર્ય, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર, સ્વયંસેવકો, અધ્યાપકો તથા સ્ટાફ દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો. “થેલેસેમિયા સામે જાગૃતિ અને રક્તદાન, જીવન બચાવવાનો સંકલ્પ”ના સંદેશ સાથે કેમ્પનું સમાપન કરવામાં આવ્યું હતું.






