રાજ્યકક્ષાના મંત્રીશ (નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી અને આબકારી) કમલેશભાઈ પટેલના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું
ગુજરાત રાજ્યની રક્ષાશક્તિ વધુ પ્રબળ બનાવવા અને પોલીસ કર્મચારીઓના કલ્યાણ માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતા આજે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નવીન પોલીસ હેડ ક્વાર્ટર્સ, મોડાસા-શામળાજી હાઇવે પર સી-૨૦, ડી-૮ અને ઈ-૨ કક્ષાના રહેવાણક આવાસો તેમજ પોલીસ વેલ્ફેર ફંડ સંચાલિત પુસ્તકાલય (લાયબ્રેરી), બાળ મંદિર તેમજ જન સંપર્ક કાર્યાલયનું લોકાર્પણ માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી (નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી અને આબકારી) કમલેશભાઈ પટેલના વરદ્ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે માનનીય રાજ્યકક્ષાના મંત્રી (આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો) પી. સી. બરંડા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે માનનીય મંત્રી પી. સી. બરંડાએ સંબોધન કરતાં જણાવ્યું કે, “ગુજરાત સરકાર પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ છે. આજે અરવલ્લી જિલ્લામાં જે રહેવાણક આવાસો, પુસ્તકાલય, બાળ મંદિર અને જન સંપર્ક કાર્યાલયનું લોકાર્પણ થઈ રહ્યું છે તે સુવિધાઓની સાથે પોલીસ કર્મચારીઓના મનોબળને વધારનારી અને તેમના કુટુંબના સુખ-સમૃદ્ધિની દિશામાં એક મહત્ત્વનું પગલું છે. આદિજાતિ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે પોલીસ કર્મચારીઓને સારું આવાસ અને પરિવાર માટે શિક્ષણ તથા સાંસ્કૃતિક સુવિધાઓ પૂરી પાડવી અત્યંત આવશ્યક છે. બાળ મંદિર દ્વારા પોલીસ કર્મચારીઓના બાળકોને સારું શિક્ષણ મળશે અને પુસ્તકાલય દ્વારા જ્ઞાન વૃદ્ધિ થશે. જન સંપર્ક કાર્યાલયથી નાગરિકોને પોલીસ વિભાગ સાથે સીધો સંપર્ક સાધવાની સુવિધા મળશે, જેનાથી પારદર્શિતા અને વિશ્વાસ વધશે.
રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલે સંબોધન કરતાં જણાવ્યું કે, “ગુજરાત રાજ્યની રક્ષાશક્તિને વધુ પ્રબળ બનાવવાના અમારા સંકલ્પને આજનો આ કાર્યક્રમ વધુ મજબૂતી આપે છે. પોલીસ કર્મચારીઓ રાજ્યની સુરક્ષાના પહરેદાર છે. તેમને સારું આવાસ, તેમના બાળકોને શિક્ષણની સુવિધા અને પોતાના વ્યક્તિગત વિકાસ માટે પુસ્તકાલય જેવી સુવિધાઓ મળે તો તેઓ વધુ ઉત્સાહ અને નિષ્ઠા સાથે સેવા આપી શકે. આજે અરવલ્લી જિલ્લામાં સી-૨૦, ડી-૮ અને ઈ-૨ કક્ષાના રહેવાણક આવાસોનું લોકાર્પણ કરીને અમે પોલીસ કર્મચારીઓના પરિવારોને સ્થિરતા આપી છે તેમજ પોલીસ વેલ્ફેર ફંડ દ્વારા સંચાલિત પુસ્તકાલય અને બાળ મંદિરથી કર્મચારીઓના બાળકોને વહેલી વયથી જ સારું વાતાવરણ મળશે. જન સંપર્ક કાર્યાલય દ્વારા નાગરિકોની ફરિયાદો અને સમસ્યાઓનું ઝડપી નિરાકરણ થઈ શકશે. અમારી સરકાર પોલીસ હાઉસિંગ, જેલ સુધારણા, સરહદી સુરક્ષા અને નશાબંધી જેવા ક્ષેત્રોમાં સતત કાર્યરત છે. હું અરવલ્લી જિલ્લાના પોલીસ વહીવટને અને તમામ કર્મચારીઓને અભિનંદન આપું છું અને આ સુવિધાઓનો યોગ્ય ઉપયોગ કરીને જિલ્લાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અનુરોધ કરું છું.”
આ કાર્યક્રમ દરમિયાન માનનીય મંત્રીઓએ નવા આવાસો અને અન્ય સુવિધાઓનું અવલોકન કર્યું અને પોલીસ કર્મચારીઓ સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓ વિશે જાણકારી મેળવી. હાજર રહેલા સાંસદ, ધારાસભ્યો અને અધિકારીઓએ પણ આ પહેલને વખાણી અને પોલીસ દળના મનોબળ વધારવા માટે આવા પ્રયાસો ચાલુ રાખવાની અપીલ કરી. અરવલ્લી જિલ્લા પોલીસ વહીવટ દ્વારા આયોજિત આ લોકાર્પણ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ પગલું ગુજરાત સરકારની પોલીસ કર્મચારીઓ પ્રત્યેની સંવેદનશીલતા અને તેમના કલ્યાણ માટેની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ ઉદાહરણ છે.
આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય શોભનાબેન બારૈયા (સાબરકાંઠા-અરવલ્લી), જિલ્લા પંચાયત અરવલ્લીના પ્રમુખ મયુર આર. પટેલ, ધારાસભ્ય ભીખુસિંહ પરમાર, ધવલસિંહ ઝાલા, ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર સિંહ યાદવ,જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, પોલીસ અધિકારીઓ,કર્મચારીઓ અને તેમના પરિવારો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.





