31.8 C
Gujarat
Saturday, September 5, 2026
Home HeadLines યાત્રાધામ શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી: ૩ લાખથી વધુ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

યાત્રાધામ શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી: ૩ લાખથી વધુ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

0

રાત્રે ૧૨ ના ટકોરે બંદૂકની સલામી, આતશબાજી અને પંજરીના પ્રસાદ સાથે શામળિયાનો જન્મોત્સવ ઉજવાયો

અબીલ-ગુલાલની ઉડાણ, મટકીફોડ અને શોભાયાત્રામાં ઝૂમી ઉઠ્યા શ્રદ્ધાળુઓ: આજે નંદ મહોત્સવમાં ચાંદીના પારણે ઝૂલ્યા કાનુડો

પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની અત્યંત ભાવુક અને ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ શામળિયા શેઠના દર્શનાર્થે ભક્તોનું કીડીયારું ઊભરાયું હતું. સમગ્ર દિવસ દરમિયાન ૩ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ શામળાજી મંદિર પરિસરમાં ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

નગરી સજાવાઈ, તોરણો બાંધવામાં આવ્યા અને શોભાયાત્રા યોજાઈ
કાનુડાના જન્મોત્સવને લઈને શામળાજીના નવયુવક મંડળના યુવાનો દ્વારા સમગ્ર બજારમાં આસોપાલવના તોરણો બાંધવામાં આવ્યા હતા અને વિવિધ સ્થળોએ મટકીફોડના ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા.

ભગવાનની ભવ્ય શોભાયાત્રામાં બેન્ડવાજાની સુરાવલીઓ, અબીલ-ગુલાલની છોળો અને “જય રણછોડ, માખણચોર” ના ગગનભેદી નારાઓ સાથે ભક્તો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. આ પાવન પ્રસંગે ભગવાન શામળિયાને હીરા, મોતી અને સોનાના મૂલ્યવાન અલંકારોથી શણગારવામાં આવ્યા હતા.

મધ્યરાત્રિએ બંદૂકની સલામી અને ભવ્ય આતશબાજી રાત્રે ૧૨ ના ટકોરે બંદૂકની સલામી સાથે ભગવાન શ્રીકૃષ્ણનો પ્રાગટ્યોત્સવ ઉજવવામાં આવ્યો હતો. એ સમયે આખું મંદિર પરિસર ભક્તોના મહેરામણથી ઊભરાઈ ગયું હતું અને પગ મૂકવાની પણ જગ્યા નહોતી. કૃષ્ણ જન્મ થતાં જ મંદિર પરિસરમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી અને ઉપસ્થિત તમામ ભક્તોને પંજરીનો મહાપ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

નંદ મહોત્સવ અને કીમતી સામાનની ચોરીના બનાવો જન્માષ્ટમીના બીજા દિવસે આજે ‘નંદ ઘેર આનંદ ભયો, જે કન્હૈયા લાલ કી’ ના નાદ સાથે નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભગવાનને ચાંદીના સુંદર પારણામાં ઝુલાવવામાં આવ્યા હતા. આ નંદ મહોત્સવમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

બીજી તરફ, હજારોની મેદની અને અતિશય ભીડનો લાભ ઉઠાવી કેટલાક અસામાજિક તત્વો દ્વારા ભક્તોના સોનાના દોરા તથા પાકીટ ચોરાયા હોવાના બનાવો પણ સામે આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!