કલ્યાણ ચોકથી માલપુર રોડ, ચાર રસ્તા થઈ પુરુષોત્તમનગર સુધી નીકળી શોભાયાત્રા; નગરના આગેવાનો અને નગર સેવકો જોડાયા
મોડાસા રુદ્ર ગ્રુપ ગણેશ મહોત્સવ દ્વારા પૂર્વ નગરપાલિકા સદસ્ય અર્જુનભાઈ રાઠોડની અધ્યક્ષતામાં ગણેશજીના આગમન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલ્યાણ ચોક, માલપુર રોડથી ગણેશજીની ભવ્ય શોભાયાત્રા નીકળી ચાર રસ્તા થઈ પુરુષોત્તમનગર સોસાયટી સુધી પહોંચી હતી.ગણેશજીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સમગ્ર માર્ગ દરમિયાન ગણપતિ બાપ્પાના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
આ પ્રસંગે મુખ્ય આમંત્રિત મહેમાન તરીકે મોડાસા નગરપાલિકાના ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ, પૂર્વ નગરપાલિકા સદસ્ય, શ્રી સરસ્વતી સ્કૂલના પ્રમુખ તથા જીવદયા પ્રેમી નિલેશભાઈ જોષી, બાયડ નગરપાલિકા સદસ્ય જીગરભાઈ પટેલ, સિવિલ હોસ્પિટલ હિંમતનગરના વહીવટી અધિકારી એ.કે. રાઠોડ સાહેબ, રાજુભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે નિલેશભાઈ જોષીએ જણાવ્યું હતું કે, પુરુષોત્તમનગરનો નાતો મોડાસા નગરપાલિકા સાથે અનન્ય રહ્યો છે. આજે ગણપતિ દાદાના આગમન પ્રસંગે વર્તમાન અને પૂર્વ નગર સેવકોની ઉપસ્થિતિમાં ગણપતિ દાદાનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું તે આનંદની વાત છે. સૌ નગર સેવકોની હાજરી સરાહનીય છે. રુદ્ર ગ્રુપ હંમેશા હકારાત્મક અને સમાજોપયોગી કાર્યો કરી રહ્યું છે
શોભાયાત્રામાં મોડાસા નગરપાલિકાના વોર્ડ નં. 2ના સદસ્યો અનિલભાઈ પટેલ, સુનિલભાઈ પટેલ અને દિપલબેન સોની સહિતના નગર સેવકોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ શોભામાન બનાવ્યો હતો.ગણેશજીના આગમન પ્રસંગે ભક્તોએ શ્રદ્ધાભેર પૂજન-અર્ચન કરી “ગણપતિ બાપ્પા મોરિયા”ના જયઘોષ સાથે ગણેશ મહોત્સવની શરૂઆત કરી હતી. રુદ્ર ગ્રુપ દ્વારા કરવામાં આવેલા આયોજનને ઉપસ્થિત મહેમાનો અને શ્રદ્ધાળુઓએ બિરદાવ્યું હતું.





