અરવલ્લી જીલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં જાહેર ક્ષેત્રની બેંક કર્મચારી સંગઠનોએ શુક્રવારે એક દિવસની હડતાળ પાડતા બેંકો બંધ રહેતા બેંકિંગ સેવાઓ ખોરવાઈ હતી બેંક હડતાળથી પ્રજાજનો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો બેન્ક કર્મચારી સંગઠનો દ્વારા અઠવાડિયામાં પાંચ દિવસનું કામકાજ અને શનિવાર-રવિવારની રજા આપવાની મુખ્ય માંગ કરવામાં આવી રહી છે
જાહેર ક્ષેત્રની બેંક કર્મચારીઓની વિવિધ માંગણીઓ અંગે સરકાર સાથેની વાટાઘાટો નિષ્ફળ જતા બેન્કોના કર્મચારી સંગઠનો દ્વારા શુક્રવારે એક દિવસની હડતાળનું એલાન આપવામાં આવતા મોડાસા શહેર સહિત ઉત્તર ગુજરાતની બે હજારથી વધુ જાહેર ક્ષેત્રની બેન્કોમાં કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. બેન્કો બંધ રહેતાં કરોડો રૂપિયાના ક્લિયરિંગ સહિતના વ્યવહારોને અસર પહોંચી હતી.જાહેર ક્ષેત્રની બેંક કર્મચારી સંગઠનોના સંયુક્ત મંચ યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.મોડાસા એકમના આગેવાનોના જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં આશરે આઠ લાખ કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળ પર ઉતર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
બેન્ક કર્મચારી સંગઠનો દ્વારા અઠવાડિયામાં પાંચ દિવસનું કામકાજ અને શનિવાર-રવિવારની રજા આપવાની મુખ્ય માંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જૂની પેન્શન યોજના લાગુ કરવી, ગ્રેજ્યુઈટીની મર્યાદામાં સુધારો કરવો અને પેન્શન સુધારણા સહિતની વિવિધ માંગણીઓ કરવામાં આવી રહી છે.બેંક કર્મીઓના જણાવ્યા અનુસાર જો સરકાર દ્વારા માંગણીઓ અંગે હકારાત્મક પ્રતિભાવ આપવામાં નહીં આવે તો આગામી તબક્કામાં વધુ ત્રણ દિવસની હડતાળ કરવામાં આવશે. જરૂર પડે તો અચોક્કસ મુદતની હડતાળ પણ કરવામાં આવશે. હડતાળને કારણે આજે બેન્કિંગ વ્યવહાર ખોરવાતા ગ્રાહકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.





