32.2 C
Gujarat
Wednesday, September 16, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી : ટીંટોઈ નગરમાં પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ ,શ્રી શાંતિનાથ દાદાની ચાંદીના રથમાં...

અરવલ્લી : ટીંટોઈ નગરમાં પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ ,શ્રી શાંતિનાથ દાદાની ચાંદીના રથમાં ભવ્ય શોભાયાત્રા

0

ટીંટોઈ ગામમાં પર્યુષણ પર્વે હાથી, ઘોડા અને ચાંદીના રથ સાથે શોભાયાત્રા યોજાઈ, જૈન સમાજમાં અનેરો ઉત્સાહ

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઈ નગરમાં જૈન ધર્મના મહાપર્વ પર્યુષણની પૂર્ણાહુતિ પ્રસંગે ભગવાન શ્રી શાંતિનાથ દાદાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાથી, ઘોડા, બગી અને બેન્ડ-વાજાંની મધુર સુરાવલીઓ વચ્ચે શ્રી શાંતિનાથ દાદાને કલાત્મક ચાંદીના રથમાં બિરાજમાન કરી નગરચર્યા કરાવવામાં આવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં જૈન ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. “ત્રિશલા નંદન વીર કી, જય બોલો મહાવીર કી” ના ગગનભેદી જયઘોષ સાથે સમગ્ર ટીટોઇ નગરમાં ભક્તિની હેલી વરસી હતી.

જૈન શાસનના પાવનકારી પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે ટીંટોઈ ખાતે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. પર્યુષણ પર્વ પૂર્ણ થતાં જ જૈન સંઘ દ્વારા ભગવાન શ્રી શાંતિનાથ દાદાનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ શોભાયાત્રામાં શણગારેલા હાથી, ઘોડા અને બગીઓ સાથે બેન્ડ-વાજાંની ધૂન પર ભક્તો ઝૂમી ઉઠ્યા હતા.

ભગવાનને વિશેષ ચાંદીના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા, જેના દર્શન માટે નગરજનો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ જૈન ભાઈ-બહેનોએ પ્રભુ ભક્તિમાં લીન થઈને જયકારા બોલાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!