સરપંચ દીપલબેન ચિરાગભાઈ પટેલના સતત પ્રયાસો રંગ લાવ્યા — વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસે ગ્રામજનોને મળી અનોખી ભેટ
મંગલપુર: મંગલપુર ગ્રામ પંચાયતના પેટા વિસ્તાર અદાપુર પીપળીફળી (તરાર ફળી)માં છેલ્લા 35 વર્ષથી 24 કલાક વીજળીની સુવિધાથી વંચિત રહેલા વિસ્તારને હવે કાયમી અજવાળાની આશા મળી છે. મંગલપુર ગ્રામ પંચાયતના સરપંચ દીપલબેન ચિરાગભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલા સતત પ્રયત્નો અને રજૂઆતોના પરિણામે આ વિસ્તારમાં 24 કલાક વીજળી ઉપલબ્ધ થવાનો માર્ગ મોકળો બન્યો છે.
આ વિસ્તારમાં રહેતા ગ્રામજનો તેમજ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે આ ક્ષણ માત્ર વીજળી મળવાની નથી, પરંતુ વર્ષોના અંધકાર બાદ આશારૂપી કિરણ પ્રસરવાની છે. વીજળીની સુવિધા મળવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ સહિત સ્થાનિક લોકોના રોજિંદા જીવનમાં પણ નવી સુવિધા અને નવી આશા ઉભી થઈ છે.
વિશેષ વાત એ છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના અવસરે આ સુવિધા મળતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ગ્રામજનો દ્વારા આ નવી સુવિધાને દીપકરૂપે પ્રગટેલું અજવાળું ગણાવી, આ પ્રકાશની ભેટ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને અર્પણ કરવામાં આવી છે.
35 વર્ષના અંધકાર બાદ આજે પ્રગટેલું આ અજવાળું માત્ર વીજળીનું નથી, પરંતુ વિકાસ, શિક્ષણ અને આશાનું નવું કિરણ છે. ગ્રામજનો દ્વારા સરપંચ દીપલબેન ચિરાગભાઈ પટેલના સતત પ્રયાસોને આવકારવામાં આવ્યા છે અને વિસ્તારના વિકાસ માટે કરવામાં આવેલા પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી છે.





