140 આદિવાસી ખેડૂતોની સહભાગિતા અને પ્રાકૃતિક ખેતીના 10 જેટલા પ્રદર્શન સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી (TRI), ગાંધીનગર દ્વારા છાંયડો સેવા ટ્રસ્ટ, શામળાજીના અમલીકરણ સહયોગથી રાજ્યકક્ષાનો “પ્રાકૃતિક ખેતી” સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં વિજયનગર, ભિલોડા, મેઘરજ અને શામળાજી વિસ્તારના અંદાજે 140 આદિવાસી ખેડૂતો તેમજ વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સેમિનારનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવાનો હતો. ખેતીમાં થતા ખર્ચમાં ઘટાડો, જમીનની ફળદ્રુપતા જાળવવી, સ્થાનિક સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવો તથા ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે TRI ગુજરાતના કાર્યપાલક નિયામક ડૉ. સી. સી. ચૌધરી, ગ્રામસેતુ વલુણાના સુરેશભાઈ યાત્રી, નિવૃત્ત ગુજરાત વહીવટી અધિકારી તથા બાગાયત ક્ષેત્રના સી. કે. ખરાડી, અરવલ્લી જિલ્લા પ્રાકૃતિક વિકાસ બોર્ડના CRP તથા સ્ટાર પ્રચારક ભાવેશભાઈ પટેલ, અરવલ્લી બાગાયત વિભાગનાં અનસુયાબેન સહિતના નિષ્ણાતોએ પ્રાકૃતિક ખેતી, બાગાયત, મૂલ્યવર્ધન અને આદિવાસી ખેડૂતોના આર્થિક સશક્તિકરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
10 જેટલા પ્રદર્શન સ્ટોલ બન્યા આકર્ષણનું કેન્દ્ર
સેમિનારમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તથા મહિલા સ્વસહાય જૂથો દ્વારા 10 જેટલા પ્રદર્શન સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. સ્ટોલમાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત અનાજ, શાકભાજી, વિવિધ ખાદ્ય ઉત્પાદનો, સ્થાનિક ઉત્પાદનો તથા મૂલ્યવર્ધિત વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ શામળાજી,આદિવાસી મહિલા ઉદ્યોગ શામળાજી,શામળીયા ફેડરેશન નિધિ મહિલા મંડળ જાબચીતરીયા,પ્રગતિ મિશન મંગલમ જૂથ લુસડિયા,ગ્રામસેતુ પ્રાકૃતિક ફાર્મ વલુણા,ઝેરીયાવાડા,રમાડ.સહેલી સ્વસહાય જૂથ વીરપુર, ઓડ,શામળાજી તેમજ ઓકે ફાર્મ વિજયનર સહિતના ખેડૂતો અને સંગઠનોએ પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન કરી પ્રાકૃતિક ખેતી અંગે માહિતી આપી હતી.
પરંપરાગત જ્ઞાનથી મૂલ્યવર્ધન સુધી માર્ગદર્શન
સેમિનાર દરમિયાન પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ, પરંપરાગત ખેતી પદ્ધતિઓ, સ્થાનિક સંસાધનોનો ઉપયોગ, બાગાયત, કૃષિ આધારિત મૂલ્યવર્ધન તેમજ ખેડૂતો માટે બજાર વ્યવસ્થા અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમના માધ્યમથી આદિવાસી ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ વધારવા તેમજ સ્થાનિક સ્તરે ઉત્પાદિત કૃષિ પેદાશોમાં મૂલ્યવર્ધન કરીને ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનાવવા અંગે મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું અને અંતે નરેશ ડામોર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.




