અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ધૂના વાડા ગામમાં વર્ષ -2018માં મંજુર કરવામાં આવેલ સરકારી માધ્યમિક શાળાને 7 વર્ષ પછી નદી પાર ગારુડી ગામમાં તબદીલ કરવાની કાર્યવાહીને પગલે 6 ગામના વિદ્યાર્થીઓને અસર થતા મંજુર કરવામાં આવેલ સ્થળે માધ્યમિક શાળાનું નિર્માણ કરવામાં આવેની માંગ સાથે લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો સમગ્ર વિવાદને પગલે જીલ્લા કલેકટર મિલિન્દ બાપના સ્થળ પર પહોંચી ગ્રામજનો સાથે સંવાદ કરી વિદ્યાર્થીઓનો સર્વે કરી સીતપુર ગામમાં નવી માધ્યમિક શાળા બનાવવા અંગે સૂચન કરવામાં આવ્યું હતું ગ્રામજનોએ જીલ્લા કલેકટર મિલિન્દ બાપાનાની ત્વરિત સ્થળ મુલાકાતની સરહાના કરી હતી
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ધુનાવાડા અને સીતપુર ગામ વિસ્તારમાં આવેલી સરકારી માધ્યમિક શાળાના સ્થળાંતર અંગે ગ્રામજનોએ વિદ્યાર્થીઓના અભ્યાસ અંગે વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓને ધ્યાનમાં રાખીને જીલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાએ સ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સ્થાનિક ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી તેમની રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા હતા.
ગ્રામજનો દ્વારા શાળાના સ્થળાંતરના નિર્ણય અંગે રજૂ કરવામાં આવેલી બાબતોને કલેક્ટરે ગંભીરતાથી સાંભળી હતી. શાળાના સ્થળાંતરને કારણે આસપાસનાં ગામોના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પડનારી સંભવિત મુશ્કેલીઓ અને શૈક્ષણિક સુવિધાઓ પર થનારી અસર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.આ મુલાકાત દરમિયાન કલેક્ટર મિલિન્દ બાપનાએ ગ્રામજનોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓનો સર્વે કરી સીતપુર ખાતે માધ્યમિક શાળા શરૂ કરવા જરૂરી કાર્યવાહી કરવા સંબંધિત તંત્રના અધિકારીઓને સૂચના આપી હતી. વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતો જળવાઈ રહે અને સ્થાનિક સ્તરે ઊભા થયેલા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે તે દિશામાં કાર્યવાહી કરવા પણ તેમણે ભાર મૂક્યો હતો.





