34.4 C
Gujarat
Monday, October 12, 2026
Home HeadLines અરવલ્લી: વનરક્ષક-વનપાલ કર્મચારીઓની પડતર માંગણીઓના નિરાકરણ માટે DCFને આવેદનપત્ર

અરવલ્લી: વનરક્ષક-વનપાલ કર્મચારીઓની પડતર માંગણીઓના નિરાકરણ માટે DCFને આવેદનપત્ર

0

રિસ્ક એલાઉન્સ, ગ્રેડ-પેની વિસંગતતા દૂર કરવા અને રજા પગાર સહિતની માંગણીઓ વહેલી તકે પૂર્ણ કરવાની રજૂઆત

મોડાસા: ગુજરાત રાજ્ય વનરક્ષક/વનપાલ કર્મચારી મંડળના નેતૃત્વ હેઠળ અરવલ્લી જિલ્લા યુનિટ દ્વારા વન વિભાગના કર્મચારીઓની લાંબા સમયથી પડતર રહેલી વિવિધ માંગણીઓના નિરાકરણ માટે મોડાસા સ્થિત નાયબ વન સંરક્ષક (DCF)ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કર્મચારી મંડળે વનરક્ષક અને વનપાલ કર્મચારીઓને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી માંગણીઓનો વહેલી તકે હકારાત્મક ઉકેલ લાવવા અપીલ કરી હતી.

કર્મચારી મંડળ દ્વારા વનરક્ષક અને વનપાલ કર્મચારીઓને ફરજ દરમિયાન જોખમને ધ્યાનમાં રાખીને રિસ્ક એલાઉન્સ અને સુરક્ષા ભથ્થું આપવા, વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓના ગ્રેડ-પેમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા તેમજ રજાના દિવસે બજાવવામાં આવતી ફરજના રજા પગારનું યોગ્ય ધોરણે ચૂકવણું કરવા સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, વનરક્ષક અને વનપાલ કર્મચારીઓને રજાના દિવસે ફરજ બજાવવાના બદલામાં વાર્ષિક 48 દિવસની મર્યાદાને બદલે નિયમો મુજબ સંપૂર્ણ લાભ આપવા તેમજ રજા પગારની ગણતરી બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થા (DA)ના ધોરણે કરવા રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત, પોલીસ વિભાગના ધારા-ધોરણ મુજબ રજા પગારનો લાભ આપવા પણ માંગ કરવામાં આવી હતી.

ગ્રેડ-પેની વિસંગતતા દૂર કરવા માંગ
કર્મચારી મંડળે વનરક્ષક કેડરના પગાર માળખામાં રહેલી વિસંગતતા તરફ પણ ધ્યાન દોર્યું હતું. મંડળના જણાવ્યા અનુસાર, વનરક્ષક કેડર કરતાં નીચલા દરજ્જાના કેટલાક કર્મચારીઓ અને રોજમદારોને મળતા ગ્રેડ-પેની સરખામણીએ વનરક્ષક કર્મચારીઓને ઓછું વેતન મળતું હોવાની સ્થિતિ અંગે યોગ્ય સમીક્ષા જરૂરી છે.

આ મુદ્દે ઉચ્ચકક્ષાની વિભાગીય સમિતિની રચના કરીને સમગ્ર પગાર માળખાની સમીક્ષા કરવા, વર્ગ-4ના રોજમદારોને મળેલા રૂ. 1,900ના ગ્રેડ-પેને ધ્યાનમાં રાખીને વર્ગ-3ના વનરક્ષક કર્મચારીઓને યોગ્ય વેતન સુધારો આપવા તથા આ અંગે નાણાં વિભાગ સમક્ષ યોગ્ય દરખાસ્ત કરવા મંડળ દ્વારા વિનંતી કરવામાં આવી હતી.

વનપાલની સીધી ભરતી બંધ કરી નવી જગ્યાઓ ઊભી કરવાની માંગ
કર્મચારી મંડળે વનપાલની સીધી ભરતી બંધ કરવાની તેમજ અગાઉ બંધ કરવામાં આવેલી વનપાલની જગ્યાઓનું મહેકમ પુનઃ શરૂ કરવાની માંગ પણ ઉઠાવી હતી. સાથે જ વન વિભાગમાં રાઉન્ડ, બીટ અને રેન્જનું વિસ્તરણ કરીને જરૂરિયાત મુજબ નવી જગ્યાઓ ઊભી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. કર્મચારીઓની બદલીને લગતા પ્રશ્નોનું પણ યોગ્ય નિરાકરણ લાવવા આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી.

વન વિભાગમાં ફરજ બજાવતા વનરક્ષક અને વનપાલ કર્મચારીઓની સુરક્ષા, પગાર સંબંધિત વિસંગતતાઓ અને અન્ય સેવાકીય પ્રશ્નોનું નિરાકરણ આવે તે હેતુથી આ રજૂઆત કરવામાં આવી હતી. કર્મચારી મંડળે લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓ અંગે સંબંધિત તંત્ર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!