ભિલોડા અને બાયડ બાદ હવે ટિંટોઈમાં દરોડો, 3,023 બોટલ દારૂ-બીયર સહિત એક વાહન અને બે મોબાઇલ કબજે, એક આરોપી ઝડપાયો અને બે વોન્ટેડ
અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી તેજ કરી છે. સપ્તાહ દરમિયાન ભિલોડા અને બાયડ બાદ હવે ટિંટોઈ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રેલવે ફાટક નજીક કરવામાં આવેલી કાર્યવાહીમાં દારૂ-બીયરની અંદાજે 71 પેટી અને 3,023 બોટલ સહિત વાહન તથા બે મોબાઇલ ફોન મળી કુલ ₹20,56,666નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
દારૂ-બીયરનો જથ્થો અને વાહન કબજે
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી જી.એસ. મલિકની ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચનાના અનુસંધાને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.આ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.જી. એનુરકારની ટીમે અરવલ્લી જિલ્લાના ટિંટોઈ ગામે રેલવે ફાટક નજીક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની અંદાજે 71 પેટી તથા 3,023 બોટલ મળી આવી હતી. દારૂ-બીયરના જથ્થાની કિંમત ₹10,46,666 દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત એક વાહન અને બે મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે.
એક આરોપી ઝડપાયો, બેની શોધખોળ
આ કાર્યવાહી દરમિયાન રાજસ્થાનના ફલોદી જિલ્લાના મતોડી ગામના કપુરિયા વિસ્તારના રહેવાસી ગંગારામ ભીયારામ જાટને પકડવામાં આવ્યો છે. જ્યારે આ ગુનામાં સંડોવણીના આરોપસર અન્ય બે વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તેમની ધરપકડ માટેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ મામલે ટિંટોઈ પોલીસ સ્ટેશનમાં તા. 15 ઓક્ટોબર, 2026ના રોજ ગુનો નોંધાયો છે. જેમાં ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની કલમ 65(A)(E), 81, 83, 98(2), 116(B) તથા ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 336(2), 336(3) અને 340(2) મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.
સપ્તાહમાં ત્રીજી કાર્યવાહીથી દારૂના નેટવર્ક પર સવાલ
અરવલ્લી જિલ્લામાં સપ્તાહ દરમિયાન ભિલોડા અને બાયડ બાદ ટિંટોઈમાં સ્ટેટ મોનિટરિંગ સેલની આ ત્રીજી કાર્યવાહી હોવાનું જણાવાઈ રહ્યું છે. સતત દરોડાઓને પગલે જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા નેટવર્ક અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.એક તરફ રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરવાની વાત કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ અલગ અલગ વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપાવાની ઘટનાઓ દારૂની હેરાફેરી પર નિયંત્રણ અને સ્થાનિક સ્તરે થતી દેખરેખ અંગે સવાલો ઊભા કરે છે. સ્ટેટ મોનિટરિંગ સેલની સતત કાર્યવાહીઓથી ગેરકાયદેસર દારૂના વેપાર સાથે સંકળાયેલા લોકોમાં ચિંતા વધે તેવી સ્થિતિ સર્જાઈ છે.





