પોલીસ લખેલા પાટિયા અને RTO નંબર પ્લેટ વગરની શંકાસ્પદ કારો બેફામ ફરી રહી હોવાનો આક્ષેપ, તંત્રના મૌન સામે સવાલો
મેઘરજ તાલુકામાં પોલીસના નામના બોર્ડ લગાવેલી તેમજ RTO નંબર પ્લેટ વગરની શંકાસ્પદ કારો ફરતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આવી કારો સામે તંત્ર દ્વારા કોઈ રોકટોક કે તપાસ થતી ન હોવાને કારણે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
તાલુકાના વિવિધ વિસ્તારોમાં પોલીસના નામે બોર્ડ લગાવીને તેમજ નંબર પ્લેટ વગર કાર લઈને ફરતા કેટલાક નબીરાઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે. વાહનો પર પોલીસનું નામ લખવાથી શું કાયદાકીય છૂટ મળી જાય છે? તેમજ નંબર પ્લેટ વગરનાં વાહનો રસ્તા પર કેવી રીતે ફરી રહ્યાં છે? તેવા સવાલો પણ લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.
એક તરફ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા સામાન્ય વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ પોલીસના નામના બોર્ડ અને નંબર પ્લેટ વગરની શંકાસ્પદ કારો સામે કાર્યવાહી થાય છે કે કેમ તે અંગે સવાલો ઊભા થયા છે.
મેઘરજ તાલુકામાં આવી કારોની તપાસ કરી વાહનોના દસ્તાવેજો, નંબર પ્લેટ અને પોલીસના નામે બોર્ડ લગાવવાના અધિકારની ચકાસણી કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે. સંબંધિત તંત્ર દ્વારા આ મામલે નિષ્પક્ષ તપાસ કરી નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.





